બનાસકાંઠા જિલ્લામાં : આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ
સ્વાઇન ફ્લૂ, ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસો ન વધે એ માટે દવાઓના વિતરણ સાથે આરોગ્ય સંબંધિત માર્ગદર્શન
વરસાદ બાદ ઉદભવતી વાઇરસજન્ય બીમારીઓ સામે રક્ષણ માટે ઉકાળેલું પાણી પીવા આરોગ્ય વિભાગની અપીલ
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતાં લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજજ બન્યું છે. લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
જે અંતર્ગત વરસાદ પછીના સમયે ઉદભવતી સ્વાઇન ફ્લૂ, ઝાડા ઉલટી અને મેલેરિયા જેવી બીમારીઓનો ઉપદ્રવ ન થાય એ માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. જેના ભાગરૂપે વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને આરોગ્ય સંબધિત સૂચનાઓ અને માર્ગદર્શન માટે આરોગ્ય કર્મીઓ ડોર ટુ ડોર સંપર્ક કરી લોકોને રોગચાળા સામે સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે. તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જે સોસાયટી અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલા હોય વધુ ગંદકી થઈ હોય એ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવાની સાથે લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
વરસાદી વાતાવરણ બાદ સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલ્ટી જેવા રોગોનો ઉપદ્રવ વધતો હોય છે જેને ડામવા માટે આરોગ્ય વિભાગે તમામ સ્તરે દવાઓનો જથ્થો પૂરતો છે તે સુનિશ્ચિત કરવાની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાઓનો જથ્થો પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસો ન વધે એ માટે લોકોને આરોગ્ય સંબંધિત રાખવાની કાળજી અંગે આરોગ્ય કર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ વરસાદ બાદ ઉદભવતી નાની મોટી વાઇરસ જન્ય બીમારીઓ સામે રક્ષણ માટે ઉકાળેલું પાણી પીવા સમજાવવામાં આવી રહ્યા છે.