બનાસકાંઠામાં : શંકાસ્પદ ચાંદીપુરાના 5 કેસ, 1 પોઝેટીવ, 2 નેગેટિવ, 2 રિપોર્ટ પેન્ડિંગ
પાલનપુર સિવિલ 45 બેડ:14 વેન્ટિલેટર સાથે સજ્જ: સરહદી બનાસકાંઠા જિલ્લામાં પગ પેસારો કરનાર ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જારી રહ્યો છે. વધુ એક શંકાસ્પદ કેસ મળી આવતા જિલ્લામાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 1 પોઝીટીવ 2 નેગેટિવ અને 2 ના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો 5 મો શંકાસ્પદ કેસ વાવ તાલુકાના સણવાલ ગામમાંથી મળી આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સુઇગામ તાલુકાના પાડણ ગામ માં, દાંતીવાડામાં, ડીસા તાલુકાના સદરપુર (લુણપુર)માં, પાલનપુર શહેરમાં અને વાવ તાલુકાના સણવાલ ગામમાં મળીને કુલ 5 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જે 5 શંકાસ્પદ કેસ પૈકી 3 ના મોત નિપજ્યા છે. જોકે, 5 કેસ પૈકી માત્ર 1 કેસ પોઝીટીવ, 2 કેસના રિપોર્ટ નેગેટિવ અને 2 કેસના રિપોર્ટ પેન્ડિંગ હોવાનો દાવો આરોગ્ય વિભાગના સૂત્રોએ કર્યો હતો.
પાલનપુર-સણવાલનો રિપોર્ટ પેન્ડિંગ: ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસમાં 1 માત્ર ડીસા તાલુકાના લૂણપુરના મોતને ભેટેલા દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે સુઇગામ તાલુકાના પાડણ ગામનો અને દાંતીવાડાના કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે પાલનપુરમાં મૃત્યુ પામેલી દીકરી અને વાવ તાલુકાના સણવાલ ગામના દર્દીનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે. આમ, 5 પૈકી 1 પોઝીટીવ, 2 નેગેટિવ અને 2 ના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું આરોગ્ય વિભાગના ડો. ભારમલભાઇ પટેલે જણાવ્યું હતું.
પાલનપુર સિવિલ બની સજ્જ: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નિપજતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં 45 બેડ અને 14 વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. વળી, 24 કલાક ડોકટરો સાથેની મેડિકલ ટીમ ખડેપગે હાજર રહેશે. તમામ બાળકોને સારવાર આપી શકાય તે માટેની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવી છે.
નોંધ આ આકડા ગઈ કાલ 8:00 વાગ્યાં શુધી ના છે.