
બાદરપુરા(કા) ગામમાં ૨૭ જેટલા રીઢા બાકીદારોના નળ જાેડાણ કાપવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં ૧૦૦ ટકા વેરા વસુલાત કરવા ડીડીઓના આદેશને પગલે પાલનપુર તાલુકામાં બાકી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ છે. પાલનપુર તાલુકામાં ૧૧૭ ગામોમાં રૂ.૮.૪૪ કરોડનો અધધ..વેરો બાકી છે. ત્યારે પાલનપુર ટીડીઓએ બે વર્ષ અગાઉના બાકીદારોને નોટિસ ફટકાર્યા બાદ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાલનપુર તાલુકાના બાદરપુરા (કા) ગામમાં બાકી વેરા પેટે ૨૭ લોકોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના બાદરપુરા (કાલુસણ) ગામમાં ગામના કેટલાક મિલકત ધારકોને બાકી કર ની ભરપાઈ કરવા અંગે અનેકવાર ગ્રામ પંચાયત દ્રારા નોટિસો આપવા છતાં કેટલાક રીઢા બાકીદારો બાકી વેરો ભરપાઈ ન કરતા આખરે ગ્રામ પંચાયત દ્રારા બાકી વેરો વસૂલવા નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૨૭ જેટલા બાકીદારોના નળ જોડાણ કાપવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ગામના મિલકત ધારકો ગ્રામ પંચાયતનો વેરો નિયમિત ભરતા ન હોઇ તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારી દ્રારા તલાટીઓને બાકીદારો પાસે થી બાકી વેરા વસુલાત કરવા અને ૭૦ ટકા વેરાની તાકીદે વસુલાત કરવા તાકીદ કરાઇ હતી. જેને લઈ બાદરપુરા (કાલુસણ) ગ્રામ પંચાયત દ્રારા બાકી કરની વસુલાત માટે રીઢા બાકીદારો ને તેમના કરની ભરપાઈ કરી જવા નોટિસો અપાઈ હતી.