પાલનપુર તાલુકાના બાદરગઢમાં પંચાયતે જ ગૌચરમાં તળાવ ખોદી નાખ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના બાદરગઢમાં પંચાયતે જ ગૌચની જમીનમાં તળાવ ખોદી કાઢી ગામની ગટરલાઇનનું પ્રદૂષિત વેસ્ટ ઠાલવીને પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ ગામના સામાજિક કાર્યકર હસનઅલી નોદોલીયાએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં નોંધાવતાં બુધવારે કલેકટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પંચાયતે સત્તાનો દુરૂપયોગ કરીને સર્વે નંબર 498ની ગૌચરની જમીનમાં કોઇપણ જાતની મંજૂરી વગર ઘણા બાંધકામો બારોબાર કરીને દબાણ કરી દીધા હતા. બાદરગઢ ગામપંચાયતના શાસકોએ ગૌચરની જમીનમાં ગટરલાઇન, પાણી પાઇપલાઇન, બે ભૂગર્ભ સંપ, હવાડા, ઓરડીઓ, બોર, RCC રોડ વગેરે ઘણા બાંધકામો કોઈ જાતના ઠરાવ અથવા પૂર્વમંજુરી લીધા વગર જ બનાવી દીધા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં સ્થાનિક તંત્રે નક્કર પગલાં ન લેતાં અરજદાર હસનઅલી નોદોલીયાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી જે બાદ બનાસકાંઠા ડી.ડી.ઓ.એ સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની નોટિસ પણ ફટકારી હતી જોકે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નહોતા. જે બાદ અરજદારે પુના ખાતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી જેમાં કોર્ટે ઓર્ડર આપતા કહ્યું હતું કે એક તપાસ કમિટી નીમીને ગૌચરની ટેકનિકલ તપાસ કરી તેનો તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવે અને આગામી 21/08/2023ના રોજ બનાસકાંઠા કલેકટર, ડીડીઓ, પાલનપુર ટીડીઓ, બાદરગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને GPCB પ્રતિનિધિને સુનાવણીમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો. જેના પગલે કલેકટર ડીડીઓ સહિતના અધિકારીઓ બાદરગઢ ગામે પહોંચ્યા હતા અને સ્થળ સ્થિતિ ચકાસી અરજદારને યોગ્ય કરવા ખાતરી આપી હતી. સમગ્ર મામલાની વિગતો આપતા અરજદાર હસન અલીએ જણાવ્યું હતું કે આ મારો વ્યક્તિગત પ્રશ્ન નથી પ્રદૂષણ વધી ગયું છે જેને લઇ મેં આ મુદ્દો હાથમાં લીધો છે જો ન્યાય નહીં મળે તો હું હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.