અંબાજીમાં ગેનીબેન ઠાકોરે માં અંબાના આશીર્વાદ લઇ જનતાનો આભાર માન્યો
ગુજરાતની 26 સીટોમાંથી માત્ર બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ આવી છે. બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 30,000થી વધુ મતોથી વિજય થયા હતા. લોકસભા ચૂંટણી પરિણામ બાદ બનાસકાંઠા સાંસદ બનતાં ગેનીબેન ઠાકોર દિલ્લી ખાતે શીર્ષ નેતાની મુલાકાત કર્યા બાદ શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી પહોંચતા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ અંબાજીમાં ભવ્ય રેલી યોજી હતી. બપોરે માતાજીની આરતીમાં પણ ગેનીબેન ઠાકોર જોડાયા હતા અને માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ સાંસદ મંદિરની ગાદીના ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યો હતો.
બનાસકાંઠાના સાંસદે મીડિયાને જણાવતા કહ્યું હતું કે, બનાસકાંઠાની જનતાએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઉપર જે વિશ્વાસ રાખીને મને આશીર્વાદ આપ્યા છે તે ફળ સ્વરૂપે હું મા જગત જનની અંબા પાસે બનાસકાંઠાની જનતાના કાર્યો કરવાની શક્તિ અને આશીર્વાદ મને આપે તેવી પ્રાર્થના કરી છે. અમારા મઉડી મંડળે પણ દિલ્લી ખાતે મિટિંગમાં ગયા ત્યારે અમને જનતાના તમામ પ્રશ્નો માટે તૈયાર રહેવા અને ભાઈચારો કાયમ રાખવા માટે સૂચન કર્યું છે.
ગેનીબેન ઠાકોરે પાલનપુર કોલેરાગ્રસ્ત વિસ્તાર માટે કહ્યું કે, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદન પત્ર આપ્યું છે. હું પણ દર્દીઓને મળી હતી અને ડોક્ટરોને પણ સૂચન કર્યું છે. હાલ MP તરીકે જે પણ કરવાનું હશે તે અમે બધા મળીને કરશું.
હાલ ગરમીમાં પડતી પાણીની મુશ્કેલી વિશે પણ જણાવ્યું હતું કે, હું આ વિષય પર પણ વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને યોગ્ય રીતે પાણીના પ્રશ્નનો નિકાલ આવે તેવા પ્રયત્નો કરીશ. તો ક્યાંક ને ક્યાંક પાણી ની પડતી મુશ્કેલીને લઈ સત્તા સરકાર પર ઢીલી નીતિ રાખતાં અને યોગ્ય પગલાં નહીં લેતાં બનાસકાંઠામાં પાણીની મુશ્કેલી સર્જાઈ રહી છે.