
ડીસા તાલુકાના 12 ગામોમાં પાણી ન આવતાં લોકોને હાલાકી
ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે અને તેમાં પણ જો બોર કે પાઇપલાઇનમાં કોઈ ઘટના સર્જાય તો પછી લોકોની હાલત કફોડી બની જાય છે. ડીસા તાલુકાના 12 જેટલા ગામોમાં પણ આવી જ સ્થિતિ છે. ડીસાના 15 જેટલા ગામમાં દાંતીવાડાના પાંથાવાડા પાસે આવેલ સીપુ જુથ યોજનામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ પાંથાવાડા પાસે ખોદકામ દરમિયાન આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 12 ગામમાં પીવાના પાણી બંધ થઈ ગયું છે. જો કે ભંગાણ સર્જાતા જ પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. પરંતુ પાથાવાડામાં રીપેરીંગ કર્યા બાદ તરત જ લાખણાસર પાસે પણ ભંગાણ સર્જાયું હતું જેના કારણે બે દિવસથી ગ્રામજનો પાણી વિના ટળવળી રહ્યા છે.
પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ડીસા તાલુકાના ધનપુરા, આગડોલ, ઘાડા, રોબસ, જાવલ, વિઠોદર, કોચાસણા અને ભાચરવા સહિત 12 ગામોમાં પીવાનું પાણી મેળવવા માટે લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. આ મામલે સ્થાનિક પાણી પુરવઠા અધિકારી રાજેશ ડાભી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આ 15 જેટલા ગામોમાં પાણી આપવામાં આવતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકો માટે મુશ્કેલી સર્જાય છે. જોકે અમે તાત્કાલિક રીપેરીંગ કામકાજ શરૂ કર્યું હતું પરંતુ ત્યાં રીપેર કરતા બીજી જગ્યાએ ભંગાણ થયું અને તે પણ રીપેર થઈ જશે. જ્યારે લોકો માટે આજે સાંજ સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.