અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને લેવાયો મહત્ત્વનો નિર્ણય, આ કંપની બનાવશે પ્રસાદ
છેલ્લા કેટલાક દિવસોથી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તેના પ્રસાદને લઈને ચર્ચામાં છે. પહેલા નકલી ઘીના કારણે યાત્રાધામ અંબાજીનો પ્રસાદ ચર્ચામાં રહ્યો હતો. આ સમયે આ પ્રસાદની જવાબદારી મોહિની કેટરર્સની હતી. જો કે કંપનીએ આ મુદ્દે તપાસમાં પોતાના હાથ ખંખેરી દીધા હોવાનું સામે આવ્યું હતું.યાત્રાધામ અંબાજીમાં ભક્તો શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે અને સાથે જ અહીંના વર્ષો જૂના મોહનથાળના પ્રસાદને લઈને પણ ઘણી આસ્થા જોવા મળે છે. પહેલા ભેળસેળવાળા ઘીના પ્રસાદના કારણે પણ મંદિર ચર્ચામાં રહ્યું હતું. હવે કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં હવેથી ટચ સ્ટોન ફાઈન્ડેશનને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એટલે કે હવે મોહનથાળનો પ્રસાદ ટચ સ્ટોન ફાઉન્ડેશન બનાવશે.ટચ ઈન ફાઉન્ડેશન એ ભૂતકાળમાં મોહનથાળના પ્રસાદમાં દૂધની જગ્યાએ ગરમ પાણીમાં પાવડર નાખતું હતું. તંત્રએ અંબાજીમાં પ્રસાદ માટે ચોરને કાઢી ઘંટી ચોરને લાવ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અંબાજીમાં પ્રસાદ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલી વ્યક્તિએ અગાઉ જણાવ્યું હતું કે અંબાજીના મોહનથાળના પ્રસાદમાં ઘી, ખાંડ અને બેસનનું પ્રમાણ અનુક્રમે 3:6:4 હોય છે. શરૂઆતમાં બેસન સાથે દૂધ અને ઘી ભેળવવામાં આવે છે, જેના માટે ‘ધાબું દેવું’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ પછી લોટને ધીમા તાપે બદામી રંગનો થવા દેવામાં આવે છે. એ પછી સામાન્ય વિધિ મુજબ જ મોહનથાળ બનાવવામાં આવે છે.મોહિની કેટરર્સ વિવાદમાં આવ્યા બાદ તેનું ટેન્ડર રીન્યુ કરવામાં આવ્યું નહોતું. છેલ્લા કેટલાય દિવસોથી અંબાજી મંદિર દ્વારા પ્રસાદ બનાવવામાં આવતો હતો. પરંતુ હવે હવે ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ છે. જો કે ટચ સ્ટોન ફાઉન્ડેશન ઉપર પહેલાં પણ પ્રસાદ બનાવવા મામલે આરોપ લાગેલો છે.ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી.
અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.અનેક વિવાદો બાદ અંબાજી મંદિર દ્વારા વેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના પૅકેટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, દર 100 ગ્રામ મોહનથાળમાં 30 ગ્રામ બેસન, 46 ગ્રામ ખાંડ, 23 ગ્રામ ઘી તથા એક ગ્રામમાં દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાજીના મંદિર દ્વારા આપવામાં આવતા મોહનથાળના પ્રસાદનું FSSAI (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) રજિસ્ટ્રેશન થયેલું છે. નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે.