ભાભરમાંથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ફરીથી રેલ રોકો આંદોલન કરવામાં આવશે
ભાભરમાં રેલ્વે સ્ટેશન હોવા છતાં પસાર થતી મોટાભાગની ટ્રેનોનું ભાભરમાં સ્ટોપેજ ના મળતાં આગેવાનો દ્વારા થોડા દિવસો અગાઉ મામલતદાર તેમજ રેલ્વે તંત્રને આવેદનપત્ર આપી રેલ રોકો આંદોલનની ચીમકી આપી હતી. જેને લઈ રેલ રોકો આંદોલને જોર પકડ્યું હતું અને ભાભરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે રવિવારે આગેવાનોની સમજુતીથી આંદોલન મોકૂફ રખાયું હતું.
4 માર્ચ સુધીમાં ભાભરમાંથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો પાંચ માર્ચે રેલ રોકો આંદોલન કરવામાં આવશે.મોટાભાગના લોકો રેલ રોકો આંદોલનમાં જોડાવાના હોઈ રેલ્વે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જેને લઇ રવિવારે ભાભરની આર્ય સમાજની વાડીમાં વેપારીઓ, ગ્રામજનો, રાજકીય આગેવાનો સહિત ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન પૂર્વ પ્રમુખ હરીલાલ આચાર્ય, શહેર પ્રમુખ અમુતભાઈ માળી,પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ, હીતેશભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ ખાત્રી આપી હતી કે ભાભરના લોકોને ન્યાય મળે અને ઝડપી ટ્રેનોને સ્ટોપેજ મળે તે માટે ભાજપ જીલ્લા પ્રમુખ સહિતના આગેવાનો જીલ્લાના આ પ્રશ્નને અગ્રીમતાથી લઈ નિકાલ કરીશું તેવું આશ્વાસન આપતાં આંદોલન મોકૂફ રખાયું હતું. જૈન સમાજના આગેવાન રજનીભાઈ મોદીએ જણાવ્યું હતું કે ‘જો ટૂંક સમયમાં રેલ્વેને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું.