હું દલિત મતોનું ધ્રુવીકરણ થવા નહીં દઉં : જીગ્નેશ મેવાણીનો લલકાર
મેઘવંશી દલિત સમાજના મહા સંમેલનથી અપક્ષ અચંબામાં : અંતિમ તબક્કામાં વાવ પેટા ચૂંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ટા વટાવી ગયો છે. અનેક નેતાઓ સરહદી વિસ્તારમાં ગામડા ખૂંદી રહ્યા છે.ત્યારે વાવ ખાતે કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂતના સમર્થનમાં પ્રખર દલિત નેતા જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને એક વિશાળ સંમેલન યોજાયુ હતું. જેમાં બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજ અને ઇતર સમાજના લોકો હાજર રહ્યા હતા.
જે સંમેલનને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગરીબોની બેલી કોંગ્રેસ હંમેશા દલિત સમાજની પડખે રહી છે. તેથી કોંગ્રેસ ઉમેદવારને જીતાડી ભાજપને પરચો બતાવવા આહવાન કર્યું હતું. લાક્ષણિક અદામાં જીગ્નેશ મેવાણીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુલાબસિહ પ્રમાણિક અને સરળ સ્વભાવના મળતાવડા વ્યક્તિ છે. જે દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. જ્યારે ભાજપની નીતિ રીતિ હંમેશા દલિત વિરોધી રહી છે.
ભાજપ સરકાર ભ્રષ્ટાચારી વેપારીઓ અને ગો માંસ વેચનારી કંપનીઓ, બુટલેગરો પાસેથી મોટું ફંડ લઈ ચૂંટણીઓમાં વાપરે છે. જેથી લોકોને 90 ટકા કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરી હતી. સંમેલનમાં10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.સંમેલનમાં જન મેદની સ્વંયભુ ઉમટી પડતા સર્વત્ર પંજો છવાઈ ગયો હતો. ભરચક ભીડથી અપક્ષ ઉમેદવાર પણ અચંબામાં પડી જતા અપક્ષ છાવણીમાં સન્નાટો છવાયો હતો.