મોટા ગામ પાસે બાઈક ડિવાઇડર સાથે ટકરાતા પતિનું મોત:પત્ની ઘાયલ
ઐઠોર ગામેથી પતિ પત્ની ડીસા મામાના ઘરે જતા નડ્યો અકસ્માત: પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક 16 ઓક્ટોબર 2024 ના રોજ બાઈક ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં ઉતરી લોખંડના બોર્ડ અને ડિવાઇડર સાથે ટકરાતા બાઈક પર સવાર પતિનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની સારવાર હેઠળ છે.
ઊંઝાના ઐઠોર ગામે રહેતા વિક્રમભાઈ રૂગનાથભાઈ દરજી અને તેમની પત્ની ભાવનાબેન બાઈક પર તેમના મામાના ઘરે ડીસા જવા નીકળ્યા હતા. દરમિયાન પાલનપુર તાલુકાના મોટા ગામ પાસે વિક્રમભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને લોખંડના બોર્ડ તથા ડિવાઇડર સાથે ભટકાતા બંને વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી.
જેથી આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને 108 ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી બંનેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર રીતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિક્રમભાઈનું મોત થયું હતું. જેથી આ અંગે દશરથભાઈ લક્ષ્મણ ભાઈ દરજી રહે.વજાપુર નવા તાલુકો ભાભરએ પાલનપુર તાલુકાના ગઢ ગામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.