
ડીસામાં ધારાસભ્ય પ્રવિણ માળીની રજૂઆતને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અગ્ર સચિવને ભલામણ કરી
ડીસાની યુવા પેઢી સાક્ષરતાની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ રહે તેવા આશય સાથે ડીસામાં આધુનિક કક્ષાનું રમતગમત સંકુલ બને તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી હતી.
જેમાં ડીસાના ધારાસભ્યની રજૂઆત સ્વીકારી પત્રનો પ્રત્યુતર આપતા હર્ષ સંઘવીએ આ બાબતે રાજ્યના રમત ગમત અને યુવા વિભાગના અગ્ર સચિવને ભલામણ પત્ર લખી યોગ્ય કરવા જણાવ્યું છે. ડીસામાં ઉત્તર ગુજરાતનું અધ્યતન સ્પોર્ટ સંકુલ બનશે, જેમાં એથલેટીક્સ, હોકી, સ્વિમિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ સહિતની રમતોના હજારો ખેલાડીઓને લાભ મળશે.
ડીસામાં અધ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ કરેલી ભલામણને રમતગમત મંત્રીએ સ્વીકારી આ બાબત યોગ્ય કરવા સ્પોર્ટ સચિવને ભલામણ કરી છે. સરકાર દ્વારા આ બાબતે હકારાત્મક પ્રતિભાવ થશે તો ડીસામાં અધ્યતન સ્પોર્ટ સંકુલનું નિર્માણ થશે અને જિલ્લાના હજારો ખેલાડીઓને લાભ મળશે.