પાલનપુરમાં હનુમાનજીનું મંદિર તોડી પડાતા હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો
(રખેવાળ ન્યૂઝ) પાલનપુર, પાલનપુરના કોજી વિસ્તારમાં એક વેપારી દ્વારા રાતોરાત હનુમાનજીનું મંદિર તોડી માર્ગ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો. જેને લઇ હિન્દુ સંગઠનો એ ભારે રોષ વ્યક્ત કરતા વિરોધ વ્યક્ત કર્યો હતો. અંતે વેપારીએ મંદિર બનાવી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
પાલનપુરના કોજી વિસ્તારમાં ૫૦ વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું હતું. જોકે તે હનુમાનજીનું મંદિર રાતોરાત દુકાન માલિકે તોડી નાખ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, ભક્તો રોજિંદા હનુમાનજી ની પૂજા અર્ચના કરવા આવતા હતા. જોકે, આજે વહેલી સવારે ભક્તો પૂજા કરવા આવ્યા ત્યારે મંદિર નજરે ન પડતા તે લોકો અચરજમાં મુકાયા હતા. જેને લઇ તેમને જાણવા મળેલ કે, આ મંદિર દુકાન માલિકે તોડી પાડી ત્યાં આરસીસી માર્ગ બનાવી દીધો છે.
જેને લઇ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.જોકે મંદિર તોડી પડાતા વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું હતું અને સ્થળ પર આવી પહોંચી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ જે સ્થળ ઉપર હનુમાન દાદા નું મંદિર હતું તે સ્થળ ઉપર જ ૨૪ કલાકની અંદર નવીન મંદિર સ્થાપિત કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંતે વેપારીએ મંદિર બનાવી આપવાની ખાત્રી આપતા મામલો થાળે
પડ્યો હતો.