ઝરમરીયા વરસાદ વચ્ચે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ: દાંતીવાડા ડેમમાં 255 ક્યુસેક નવા નીરની આવક
ભર ચોમાસે પાણીની આવક વગર સીપુ ડેમના તળિયા દેખાવા લાગ્યા: ભર ચોમાસે બનાસકાંઠા જિલ્લામાં ઝરમરીયા વરસાદ વચ્ચે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાની ઓળખ ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યાં છે.અને હવે શ્રાવણ મહિનાના આરંભે જિલ્લાની જીવાદોરી દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે. જો કે ડેમમાં સાંજે 6 વાગ્યા સુધી માત્ર 255 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 565.45 ફૂટે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. મતલબ ડેમમાં પાણીની નહીંવત આવક થઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ઓછો વરસાદ હોવાના કારણે જિલ્લાના તમામ ગામ તળાવો અને ડેમો ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યાં છે. જેથી અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ચેકડેમ ઓવર ફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં આવે છે. જો કે આ વખતે અસલ વરસાદી માહોલ વચ્ચે પણ વાદળા ભરપૂર વરસતા નથી.તેમછતાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને ડેમમાં પાણીની ભરપૂર આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.જો કે ભર ચોમાસે સિપુ ડેમમાં પાણીના એક ટીમ્પાની પણ આવક થઈ નથી.તેથી સિપુ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.
દાંતીવાડા ડેમ જિલ્લાની જીવાદોરી: બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમનું પાણી પીવા માટે જિલ્લાના પાલનપુર ડીસા અને દાંતીવાડા તાલુકાના 87 જેટલા ગામોને પૂરું પાડવામાં આવે છે.તેમજ ખેતી માટે બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના 61 ગામડાઓમાં અને પાટણ જિલ્લાના બે તાલુકાના 49 ગામડાઓને શિયાળુ અને ઉનાળુ સિઝનમાં પાણી આપવામાં આવે છે.જેથી ચોમાસુ શરૂ થતાં જ બનાસવાસીઓની નજર ડેમની સપાટી ઉપર મંડરાય છે.