
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસ વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોના પાકોને મોટાપ્રમાણમાં નુકસાન પહોચાડ્યું છે. જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો ખાતરો અને યથાગ મહેનતો કરી પાકને તૈયાર કર્યા હતા પરંતુ એકાએક વરસાદ પડતા લાચાર ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા પાલનપુર, ડીસા,ધાનેરા,થરાદ,ભાભર સહિત અનેક વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા તેમજ કાપણી કરેલા પાકો મુશળધાર વરસાદમાં પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુર તાલુકાના રતનપુર ગામેના ખેડૂતે ખેતરોમાં મોંઘભાવના ખાતર અને બિયારણ લાવીને અડદ બાજરી જેવા પાકનું વાવેતર કર્યું હતું. રાત-દિવસ પાક પાછળ અથાગ મહેનત કરતા અડદનો પાક સરસ તૈયાર થયો હતો પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ વરસતા ખેતરમાં કાપણી કરીને મુકેલો અડદનો તમામ પાક પલળી જતા સંપૂર્ણપણ પાક નિષ્ફળ ગયો છે. જિલ્લા માં મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોને સતત ત્રણ દિવસ પડેલા વરસાદના કારણે મોટાપાએ નુકસાન પહોચ્યું છે. જેમાં સરકાર નુકસાનનું સહાય આપે જેવી ખેડતો માંગ કરી રહ્યા છે.