
થરાદમાં વહેલી સવાર થી એકધારો મોટી છાંટ સાથેનો વરસાદ વરસ્યો : નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં તરબોળ
થરાદ ખાતે આજે વહેલી સવારથી એકધારો મોટી છાંટ સાથેનો વરસાદ ચાલુ થઈ ગયો હતો. જે આખો દિવસ ઓછા વતા પ્રમાણમાં વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી છે.
થરાદ ખાતે આજના વરસાદને કારણે શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે અમુક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. સાંચોર ભુઢનપુર ભારત માલા રોડના બ્રિજ પાસે ચાર-ચાર ફુટ પાણી ઉતરી આવ્યા હતા. ત્યાં નાના વાહનોને ચલાવવામાં બહુ મુશ્કેલીઓ સર્જાઈ હતી. ડીસા ચાર રસ્તા પાસે પણ પાણી ભરાઇ ગયા હતા. ગંજ બજાર પાસે એક કાર રોડની સાઇડમાં ફસાઇ ગઇ હતી જેને ભારે જહેમતથી બહાર કાઢી હતી. ચારડા, નાગલા, ખાનપુર અને થરાદ વીડી વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં નુકસાન થવાની સંભાવના છે.