
પાલનપુરમાં આવેલ જન સેવા કેન્દ્રમાં અરજદારોની ભારે ભીડ
પાલનપુરના જાેરાવર પેલેસમાં આવેલ જન સેવા કેન્દ્રમાં હાલ શાળાઓ શરૂ થતાની સાથે જ વિવિધ દાખલા લેવા છાત્રો ઉમટી પડતા હોઇ હાલ જન સેવા કેન્દ્રમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. જાેકે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને દાખલા લેવા કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. પરંતુ અહી પીવાનાં પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોઇ છાત્રોને પાણીને લઇ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓ આવક, જાતિ, ક્રિમીનલ જેવા દાખલા મેળવવા છાત્રો તેમજ વાલીઓ સરકારી કચેરી ઓના આંટા ફેરા મારતા થયા છે. જેમાં પાલનપુર તાલુકામાં સ્કૂલ- કોલેજ અને આઇટીઆઇ સહિતના એકમોમાં પ્રવેશ માટે આવક જાતિ અને ક્રિમીનલ દાખલાની જરૂરિયાત ઊભી થતા છાત્રો તેમના વાલીઓ સાથે દાખલા લેવા પાલનપુરમાં જન સેવા કેન્દ્ર માં ઉમટી રહ્યા હોઇ અહી વહેલી સવાર થી મોડી સાંજે સુધી વિદ્યાર્થીઓ ની ભારે ભીડ જામેલી જાેવા મળે છે.
જાેકે અહી દાખલા મેળવવા આવતાં છાત્રોનો ભારે ધસારો હોવા છતાં હાલ ની કાળ ઝાળ ગરમીમા આ અરજદાર છાત્રો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ન આવતા છાત્રો ત્રસ્ત જાેવા મળ્યા હતા. જેથી જન સેવા કેન્દ્ર માં તાત્કાલિક ધોરણે પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.