
બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને હૃદય રોગ ફ્રી નિદાન મેગા કેમ્પ યોજાયો
આજના સમયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોના આરોગ્યની ચકાસણી માટે બનાસ ડેરી, બનાસ મેડિકલ કોલેજ તથા સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને હૃદય રોગ ફ્રી નિદાન મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં હ્રદયને લગતા નિદાન તેમજ સારવાર જેવી કે, જનરલ ચેકઅપ, કાર્ડિયાક, ઇ.સી.જી., કાઉન્સેલીંગ અને જરૂરીયાતવાળા દર્દીઓ માટે હાર્ટના ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલની સેવા કરવાની ભાવનામાંથી પ્રેરણા લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ એ પ્રમાણે કામ કરવું જોઈએ એ ભાવનાથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અને આવતીકાલે 3000 થી વધુ લોકોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. સેવા પરમો ધર્મની ભાવના સાથે કામ કરવામાં આવે તો તેનું ખુબ સરસ પરિણામ મળતું હોય છે. સેવાનો અહંકાર ન આવે ત્યારે સેવા ભક્તિ બની જાય છે એમ જણાવી તેમણે શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલની હાર્ટના ઓપરેશન સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
આજે નાના બાળકો અને યુવાનો પણ હૃદય રોગનો શિકાર બની રહ્યા છે ત્યારે લિવિંગ હેબિટ એટલે જીવન જીવવાની પદ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. જેમ બીજા અંગો સો વર્ષ સુધી કામ કરે છે તો હૃદય કેમ નહીં એમ જણાવી તેમણે કહ્યું કે, આજે આપણા જીવનમાંથી શારીરિક શ્રમ ની બાદબાકી થઈ ગઈ છે. આપણે ઘરમાં પાણી પીવા માટે પણ બીજા પર આધાર રાખતા થયા છીએ, જાતે કામ કરતા નથી. જેના લીધે શરીર અનેક રોગોનું ઘર બની રહ્યું છે. જ્યારે ચિંતા થાય ત્યારે દોડવાનું કે એક્સરસાઈઝ કરવાનું રાખવું જોઈએ તો ચિંતાને ઓછી કરી શકાશે. જીવન જીવવાની પધ્ધતિ સાથે ફૂડ હેબિટ પણ બદલવી પડશે, ભોજનમાં તેલનો ઉપયોગ ઓછો કરવો પડશે. આજે શારીરિક શ્રમની સાથે લિવિંગ હેબિટ બદલવાની ખુબ જરૂર છે તો જ આરોગ્યની જાળવણી કરી શકાશે તેમ જણાવી કહ્યું કે આગામી સમયમાં બીજો એક કેમ્પ થરાદ ખાતે કરવાનું આયોજન છે. નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, માતાઓ- બહેનોના આરોગ્યની ચકાસણી માટે બનાસ મેડિકલ કોલેજ દ્વારા મેમોગ્રાફી મશીન વાન લાવવામાં આવશે. આ મશીન બહેનોના સ્વાસ્થ્યની ચકાસણી કરી બહેનોમાં થતાં સ્તન અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી શકાશે જેનાથી કેન્સર જેવી બિમારીઓને આગળ વધતી અટકાવી શકાશે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસશ્રી એમ. આર. શાહે બનાસ મેડિકલ કોલેજને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ સહયોગથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સૌના માટે સારુ વિચારે છે એટલે જ કોઈ માણસ ભૂખ્યો ન સૂવે તેની ચિંતા કરે છે. એક વ્યક્તિની સારવારથી તેના કુટુંબની સાથે સમાજને બચાવવાનું કામ થાય છે. બે દિવસ દરમિયાન યોજાનાર આ કેમ્પમાં 3200 જેટલાં લોકોને સારવાર આપવામાં આવનાર છે.