છાપી હાઇવે ઉપર આવેલી હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડા : દશ હોટલોને નોટીસો ફટકારી
રખેવાળ ન્યુઝ છાપી, પાલનપુર : વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલ હોટલો, રેસ્ટોરન્ટ સહિત ફાસ્ટ ફૂડની રેકડીઓ શનિવારે વડગામ આરોગ્ય વિભાગ દ્રારા દરોડા ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈ ખળભળાટ મચી ગયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડા. પ્રકાશભાઈ ચૌધરીની સીધી સૂચનાથી વડગામ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્રારા વર્તમાન કોરોના વાયરસ તેમજ ચોમાસાની ઋતુને લઈ શેરપુરા – ધારેવાડા હાઇવે ઉપર આવેલ હોટલો, રેસ્ટોરન્ટ, ધાબાઓ તેમજ ફાસ્ટફૂડની લારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક હોટલોમાં વાસી ખોરાક સહિત કીચનમાં ગંદગી સહિત કાચા સામાનમાં જીવાતો મળી આવી હતી. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ દશ જેટલી હોટલોને નોટિસ ફટકારવા સહિત આરોગ્ય કર્મીઓ દ્રારા સેનીટાઈઝર તેમજ કર્મચારીઓનું નિયમિત આરોગ્ય તપાસ સહિત પાણીની ટાંકીમાં પોરા નાશક દવાનો ઉપયોગ કરવા સહિત સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના દરોડાઓને લઈ હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.