
ડીસા APMCમાં મગફળીની આવક 16 લાખ બોરીને પાર
બનાસકાંઠા જિલ્લામાં ત્રણેયે સીઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી પાકની ખેતી કરતા હોય છે. ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા ચોમાસુ સીઝનમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું હતું.ચાલુ વર્ષે બનાસકાંઠામાં 1 લાખ 47 હજાર હેકટર કરતાં વધુ પ્રમાણમાં ચોમાસુ મગફળી પાકનું વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં 37 હજાર કરતાં વધુ હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું. હાલ પોતાની તૈયાર મગફળી સાથે મોટી સંખ્યામાં ખેડૂત ડીસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે.ડીસા માર્કેટ યાર્ડ ઉત્તર ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ પૈકી એક છે. ડીસા APMC ખાતે ડીસા ઉપરાંત, સમગ્ર બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાંથી પણ ખેડૂતો આવે છે અને સારા ભાવની આશા સેવે છે.હાલ છેલ્લા 1 મહિનાથી મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ગત વર્ષે 16 લાખ મગફળીની બોરીની આવક નોંધાઈ હતી. આ વર્ષે મગફળીની 16 લાખથી વધુ બોરીની આવક થઈ ચૂકી છે.
ડીસા મગફળીનો દાણો ગુણવત્તામાં સારો હોવાથી આ મગફળીનું 13 દેશોમાં નિકાસ થઈ રહ્યો છે. અહીંની મગફળીની ગુણવત્તા સારી હોવાથી વિદેશમાં પણ આ મગફળીનો નિકાસ થાય છે.અત્યારે ચોમાસુ મગફળીની ડીસા માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઈ રહી છે. શુક્રવારે ડીસા માર્કેટ યાર્ડમાં 70 હજાર કરતાં વધુ મગફળીની આવક નોંધાઈ હતી. ડીસા માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ થયું હતું.ગત વર્ષે મગફળીનો 20 કિલોનો ભાવ 900થી 1400 રૂપિયા નોંધાયો હતો, ચાલુ વર્ષે પ્રતિ કિલોના 1200થી 1350 રૂપિયા બોલાયા હતા. શુક્રવારે મગફળીનો 1350 રૂપિયા ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.