ગોઢની સરકારી શાળાની જમીન એન.એ. કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીનું રટણ
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ મોડું પડયું, નિર્માણ થયેલી કરોડોની શાળા 3 વર્ષથી શરૂ ન થઈ
સરકારી શાળા શિક્ષણ માટે શરૂ થાય તે પહેલાં અડધી, ખંડેર બની : મેદાનમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય છવાયું
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ માટે ખર્ચ થયેલી કરોડોની ગ્રાન્ટ છેલ્લા ત્રણ ચાર વર્ષથી નકામી બની ગઈ છે. જવાબદારીમાં બેઠેલા જવાબદાર અધિકારીઓની શરૂઆતી ભૂલોથી આજે બનાસકાંઠામાં શિક્ષણ કલંકિત થાય તેવો ઘાટ થયો છે.
દાંતીવાડાના ગોઢ ગામે ત્રણ વર્ષ અગાઉ બનાવવામાં આવેલી સરકારી માધ્યમિક શાળા તંત્રના વાંકે અત્યાર સુધી શરૂ નથી થઈ શકી. સમગ્ર પ્રકરણમાં જવાબદાર જે પણ હોય પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં જે ગામમાં શિક્ષણના નામે અનેક વિધાર્થીઓને સરકારની જે સવલતો મળવી જોઈએ તે મળી શકી નથી અને હદ તો ત્યાં થાય છે કે આટલો સમય વીત્યો છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી અને જો કરવામાં આવી હોય તો શા માટે આટલો લાંબો સમય વીતવા છતાં શાળાને વિધાર્થીઓને શિક્ષણ મળવાં લાયક નથી બનાવી શકાઈ?
ગામની શાળા શરૂ કરવા અનેક વખત સરકારી કચેરીઓના ચક્કર કાપી ગામના જાગૃત લોકોએ પણ નિરાશ થઈ શાળા શરૂ થાય તે વાત સમય પર છોડી દીધી છે. હવે જ્યારે સમગ્ર બાબત મિડિયા થકી બહાર આવી ત્યારે એન.એ. ની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ સાંભળવા મળી રહ્યું છે.
શાળાની જમીન એન.એ. થવાની પ્રક્રિયા ચાલુ: ‘રખેવાળ’ સાથે વાત કરતા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ રટણ કર્યું હતું કે ગોઢ ગામની શાળાની જમીન એન.એ. કરવાની પ્રક્રિયા ચાલુ છે સાથે તેમણે ગામના નમૂના નંબર 6 નું હકપત્રક મંજૂર થયું હોવાનું પણ ઉમેર્યું હતું.
આ તપાસનો વિષય : જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી જો તમે જંત્રી ભાવની રકમ ચૂકવવા ગાંધીનગર મંજૂરી માંગી છે તો, દસ્તાવેજના રૂપિયા ગામના લોકો પાસેથી કેમ લેવામાં આવ્યા ? સ્થાનિક કેટલાક લોકોના જણાવ્યા પ્રમાણે તમારી કચેરીના કર્મચારીઓએ તો એન.એ. કરવાના ખર્ચ માટેના રૂપિયા પણ ભરવાનું જણાવ્યું હતું. અહીં એટલાં માટે સવાલ એ ઉઠે છે કે શું સરકાર દ્વારા આપવામાં આવેલી 1 કરોડ 40 લાખ જેટલી ગ્રાંટમાં વિજ કનેકશન સામેલ નહીં હોય ?
જો આમ જ શિક્ષણના નામે આડેધડ વહીવટ થતો રહેશે તો શિક્ષણમાં અંધારું થવામાં વાર નહી લાગે: ગુજરાતમાં સારું શિક્ષણ આપવા માત્ર શાળાઓમાં મોટી મોટી ગ્રાંટ આપવાથી વિધાર્થીઓને સારું શિક્ષણ મળી રહેશે તે માની લેવું સરકાર માટે પણ સાચું સાબિત થાય તેમ નથી અને એનું ખૂબ મોટું ઉદાહરણ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે નિર્માણ થયેલી આ સરકારી શાળા કે જ્યાં સરકારના કરોડો રૂપિયા ખર્ચ થયા પછી પણ છેલ્લા ત્રણ વર્ષથી વિધાર્થીઓને ભણવા લાયક નથી બની શકી.