વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે થરાદ તાલુકાને સવા કરોડથી વધુના વિકાસકામોની ભેટ
મોટી પાવડ અને વજેગઢ ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે થરાદ તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સવા કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે. થરાદ તાલુકાના મોટી પાવડ અને વજેગઢ ખાતે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈના હસ્તે મોટી પાવડ અને વજેગઢ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ અને લુણાવા, ખોરડા, જેતડા, બુઢનપુર, ભાચર, ડોડગામ, લેડાઉ, મહાદેવપુરા, જમડા, ચૂડમેર, ભાચર સહિતના ગામો ખાતે નવીન આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના શેડ, સંરક્ષણ દિવાલ, પાણીની ટાંકી જેવા વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત કરાયું હતું.
શંકરભાઈ ચૌધરીએ આ વિસ્તારના વિકાસ માટે ખુલ્લા હાથે નાણાં સહાય કરતી રાજ્ય સરકાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રજાલક્ષી કામોને અગ્રતા આપવા સરકાર કટિબદ્ધ છે. થરાદ તાલુકાને વિકાસના વિવિધ વિકાસ કામો થકી અગ્ર હરોળમાં મૂકવાની નેમ વ્યક્ત કરતાં અધ્યક્ષશ્રીએ પ્રજાજનોનો સાથ સહકાર કામ કરવા માટે નવી પ્રેરણા આપે છે. આજે સવા કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમહૂર્ત અને લોકાર્પણ થયું છે. આગામી સમયમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં સોળ કરોડથી વધુના વિકાસકામો થવાના છે. આ વિસ્તારની દીકરીઓ અભ્યાસમાં પાછળ ન રહી જાય એ માટે થરાદ વિધાનસભા મત વિસ્તારમાં એક સાથે પાંચ નવી સરકારી શાળાઓની મંજુરી આપવામાં છે જે આ વિસ્તારની દીકરીઓના ભાવિ ઘડતર માટેનું પગથિયું બની રહેશે.