
અંબાજીમાં 650 ગ્રામના સોનાના 7 સિક્કાઓ માતાજીને ભેટ : માઈભક્તે 39.78 લાખની કિંમતનું ગુપ્તદાન કર્યુ
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી જગત વિખ્યાત છે. મા અંબાનું આ શક્તિપીઠ ‘ગોલ્ડન ટેમ્પલ’ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. મા અંબાના દર્શન અને માના ચરણોમાં શીશ નમાવવા માટે દૂર દૂરથી માઇભક્તો અંબાજી આવે છે. અનેકો વીઆઈપી અને નેતાઓ પણ માના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાજીની પૂજા અર્ચના કરી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી આવી પોતાની શ્રદ્ધા અનુસાર દાન પણ કરતા હોય છે. જેમાં રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીનાઓ પણ માતાજીના ચરણોમાં ભેટ સ્વરૂપે દાન આપે છે.
આજે માતાજીના એક માઇભક્તે સોનાનું દાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આપ્યું હતું. આજે તારીખ 03/11/2023ના રોજ એક માઇભક્તે સોનાના સાત સિક્કાઓ માતાજીને દાન સ્વરૂપે ભેટમાં આપ્યા હતા. જેનું કુલ વજન 650 ગ્રામ હતું અને આ સોનાના સાત સિક્કાઓની કુલ કિંમત અંદાજિત 39 લાખ 78 હજાર રૂપિયા છે. સોનાનું દાન કરતા માઇભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે આ સોનાનું દાન મા જગતજનની અંબાના મંદિરમાં દાન કરી માઇભક્તે માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો.