
ડીસામાં દુકાનમાંથી રૂપિયા ભરેલ થેલો લઈ ગઠિયો ફરાર
ડીસાના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે આવેલી એક દુકાનમાંથી બે અજાણ્યા ઈસમોએ દુકાન માલિકનું ધ્યાન ભટકાવી રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થઇ ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ગઠિયાની શોધખોળ હાથ ધરી છે. ડીસાના સિંધી કોલોની વિસ્તાર ખાતે રહેતા અમૃતલાલ ઠકરર જુના બસ સ્ટેન્ડ નજીક સદાશીવ પ્રોવિજન નામની દુકાન ચલાવે છે અને કરિયાણું વેચી પરિવારનો નિર્વાહ કરે છે જેઓ ગત બુધવારે પોતાની દુકાને બેઠા હતા. તે દરમિયાન એક અજાણ્યો યુવક તેમની પાસે આવેલ અને તેમને કહ્યું કે તમારી દુકાનની બાજુમાં પૈસા પડ્યા છે જેથી દુકાન માલિક અમૃતલાલ પૈસા લેવા ગયા તે દરમિયાન તેમની નજર ચૂકવી એક અન્ય યુવક તેમની દુકાનમાં ઘુસીને અને રૂપિયા ભરેલ થેલો લઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં મોડી સાંજે દુકાનમાંથી રૂપિયા ભરેલ થેલો ગાયબ જણાતાં તેમણે સીસીટીવી કેમરા ચેક કરતા એક ગઠિયો દુકાનમાંથી થેલો લઈ જતો દેખાયો હતો. જેથી આ મામલે દુકાન માલિક અમૃતલાલ ઠકકરે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયાઓની તપાસ હાથ ધરી છે.