
ડીસાની અર્બુદા વિલામાં ચોધરી સમાજનો ગરબા મહોત્સવ
ડીસામાં નવરાત્રીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે અર્બુદા વિલામાં ચૌધરી સમાજની મહિલાઓએ પરંપરાગત વેશ પરિધાનમાં સજ્જ થઈ સામાજિક ગરબા મહોત્સવની મજા માણી હતી.
અર્બુદા વિલા સોસાયટીમાં વસતા ચૌધરી સમાજ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અર્બુદા વિલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો દ્વારા સોસાયટીના ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરી છે. સ્થાનિકો માતાજીની ભક્તિ કરીને લાઉડ સ્પીકર પર ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. આ ગરબાની વિશેષતા એ છે કે ચૌધરી સમાજની મહિલાઓ તેમના પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને ગરબા રમવા પહોંચી રહી છે અને માતાજીની ભક્તિ કરી રહી છે.સાતમા નોરતે અર્બુદા વિલામાં પણ રાસ-ગરબાની સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દર વર્ષે નવરાત્રીમાં રાસ ગરબા બાદ સામૂહિક નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. આમ સામાજિક ગરબા થકી સમાજના લોકોમાં ભક્તિ ભાવની સાથે સાથે ભાઈચારો પણ વધે છે.