
સંસ્થાના નામે ગેનીબેને કરોડોની જમીન હડપ કરી : અમરત માળી
બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્યનો ખેતીકામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ મહિલા ધારાસભ્ય ફરી વધુ એક વાર વિવાદોમાં સપડાયા છે. જેમાં ભાજપ શહેર પ્રમુખે સંસ્થાના નામે તેમણે કરોડો રૂપિયાની સરકારી જમીન હડપી હોવાનો ગંભીર આક્ષેપ કરતા શિયાળાના આરંભે જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
જો કે આક્ષેપના જવાબમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, આ જમીન મારી માલિકીની નથી, આ જમીન સંસ્થાની જમીન છે. સંસ્થાની જમીનમાં વૃક્ષારોપણ થયું હોય તો વ્યક્તિગત થોડું કહેવાય. તેમણે ઉમેર્યું કે, આ જમીનમાં મારો કોઈ માલિકી હક્ક નથી. મારા દ્વારા વૃક્ષારોપણથી ખેડૂતો- વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. અમરત માળી જે અવળા ધંધા કરે છે તેવા અમે નથી કરતા.ગેનીબેન હાથમાં પાવડો લઈને ખેતીકામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભાભરના ભાજપ શહેર પ્રમુખ અમરત માળીએ ગેનીબેન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગેનીબેન ખેતીકામ કરી રહ્યા છે, તે સરકારી જમીન તેઓએ દબાણ કરીને હડપી લીધી છે.તેમણે ભાભરમાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર દબાણ કરી સરકારના પ્રજાના હિતમાં વાપરવાના નાણાંથી આ જગ્યાએ પાકી દીવાલ ઉભી કરી બાંધકામમાં વાપરી નાખ્યા છે. મેં આ બાબતે અગાઉ પણ તંત્રમાં અરજીઓ કરી હતી ત્યારે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવો જોઈએ તેમ ઉમેર્યું હતું.