
દાંતીવાડાના ગાંગુવાડા ગામે ઘણા સમયથી ગટરનુ કામ ખોરંભે ચડ્યું
રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને વિકાસના કામો કરાતા હોય છે. પરંતુ દાંતીવાડાના ગાંગુવાડા ગામે છેલ્લા ઘણા સમયથી પાણીનો નિકાલ કરવા માટે ગટર બનાવવામા આવી રહી છે. તે હજુ સુધી પુર્ણ કરવામા આવી નથી . અને મોટાં મોટાં ખાડા બનાવીને ખુલ્લા મૂકી દીધા છે. અગાઉ પણ બાળકો ખાડામા પડી જવાના બનાવો બન્યા છે અને હજુ પણ બાળકો, પશુઓ ખાડામા પડવાનો ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે.
ગ્રામજનો જણાવી રહ્યા છે કે, આ બાબતે કોન્ટ્રાક્ટરને જાણ કરતા કોન્ટ્રાક્ટર મુકેશ પ્રજાપતિ એમ કહે છે કે, તમારે જ્યાં જઈને રજૂઆત કરવી હોય ત્યાં જઈને કરો. કામ જેમ થતું હશે તેમ થશે તેમ જણાવે છે. તો અમારે રજૂઆત કોને કરવી? મળતી માહિતી પ્રમાણે ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખોદકામ કરી ગટર બનાવવા માટે ખુલ્લા ખાડા બનાવીને મૂકી દીધા છે. જેથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે, ક્યારે ગટરનુ કામ પુર્ણ થશે કે પછી આમ જ અમારા બાળકો પશુઓ ખાડામા પડશે ? આ બાબતે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે કે નહી ?