લાખણીથી યાત્રાધામ ગેળાના રોડ ઉપર ખાડા રાજ ખખડધજ રોડથી વાહન ચાલકો અને પ્રજા ત્રાહીમામ

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણીથી યાત્રાધામ ગેળાના રોડ ઉપર ખાડા રાજ

જર્જરીત રોડ ઉપર ઠેરઠેર ડામરના ઢગ ખડકાતાં આક્રોશ

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણીથી ગેળા ધામના જર્જરીત બનેલા રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે અહીં રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડેલા છે વળી આ રોડ ઉપર ટ્રાફીકનો પ્રશ્ન પણ માથાના દુખાવા સમાન છે. ગેળા ગામમાં પ્રાચીન શ્રીફળીયા હનુમાન મંદિર આવેલ છે જ્યાં દર શનિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે. એ સિવાય 20 ગામોની પ્રજાની રોજીંદી અવરજવર રહે છે.પરંતુ તમામ લોકો રોડના ખાડાઓથી ત્રસ્ત છે વાહન ચાલકો પણ પરેશાન છે.તમામને અકસ્માતનો ભય સતાવે છે પણ રજુઆત કરવી કોને ? કારણ અહીં દાદાના દર્શન કરવા મંત્રીઓ સહિત નેતાઓ પણ આવે છે. શું એમને તૂટેલા રોડ પર પડેલા આટલા મોટા ખાડા દેખાતા નથી?  તાલુકા મથકને જોડતા આ રોડ ઉપર વાહનોનો વધુ ઘસારો રહે છે ત્યારે આ રોડ ફોર લાઈન બનાવવા માટે પણ લોકોની વર્ષોજુની માંગ છે.

રોડના સત્વરે નવીનીકરણની માંગ: આ બાબતે દાદાના દર્શને આવેલા એક શ્રદ્ધાળુએ રોષ ઠાલવતા જણાવ્યું કે,અહીં ચમત્કારીક- સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલ છે જ્યાં દરરોજ ભાવિકો દાદાના દર્શને આવે છે. તેમાં પણ દર શનિવારે મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.પરંતુ તાલુકા મથક લાખણીથી ધામ સુધીનો રોડ અગાઉના પુર વખતથી બિસ્માર બની ઠેકઠેકાણેથી તૂટી ગયો છે. જેના કારણે અકસ્માતની દહેશત વચ્ચે ભારે તકલીફ પડે છે.તેમ છતાં વર્ષોથી આ રોડનું નવીનીકરણ કે સમારકામ કરાતું નથી.જો આ રોડ ફોર લાઈન કરવામાં આવે તો તમામ પ્રશ્ન હલ થઈ જાય પણ હાલમાં તૂટેલા રોડનું કામકાજ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે.

સરકારની પ્રતિષ્ઠાને નુકશાન: ગુજરાત રાજ્ય રોડ,રસ્તા, પાણી અને આરોગ્ય જેવી પ્રાથમિક સવલતોને લઈ દેશમાં મોડેલ રાજ્ય ગણાય છે.પણ 2015 અને 2017 ના પુરમાં જર્જરીત બનેલ યાત્રાધામને જોડતો રોડ હજી સુધી રીપેર ન થતા ખુદ સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.તેથી આમ પ્રજામાં આક્રોશ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.