
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઠંડીના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવતા આગામી સમયમાં ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. છેલ્લા બે ત્રણ દિવસથી ન્યુનતમ તાપમાનમાં વધારો નોંધાયો છે તેમ છતાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં ૧૦ કિમીની ઝડપે બર્ફીલા પવનો ફુંકાતા ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. જેને પગલે જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટન ડીસ્ટર્બન્સની અસરને લઇ વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળો ઉપર ભારે બરફ વર્ષા સાથે વરસાદ થયો છે. જેની સીધી અસર મેદાની વિસ્તારો સહિત ગુજરાતના અનેક ભાગોમાં પડતી હોવાના કારણે હવામાન વિભાગે આગામી ૨૪ જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડી વધવાની આગાહી કરી છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લા વાસીઓને પણ આગામી સમયમાં ગાત્રો થીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.