ગઢ પંથકમાં ચાર ઇંચ વરસાદથી ખેતરો બેટ ફેરવાતાં ખેડૂતો ચિંતિત
ખેતરોમાં પાણી ભરાઈ જતા જુવાર, એરંડા અને મગફળીના પાકને ભારે નુકસાન: બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકની ભારે વરસાદની આગાહીના પગલે ગઢ પંથકમાં વહેલી સવારથી જ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુરના ગઢ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા.જેમાં ખેડૂતોના ઉભા પાક ને મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું છે.જેના કારણે ખેડૂતોએ સરકાર દ્વારા સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે ગઢ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો.જ્યાં ગઢ પંથકમાં ચાર ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા જેમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલ જુવાર, એરંડા અને મગફળીના પાક ને મોટી માત્રામાં નુકશાન થવા પામ્યું છે. જેના પગલે ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવવા માં આવે તેવી માંગ કરી છે.
સરકાર સર્વે કરાવે : કાનજીભાઈ પટેલ, ખેડૂત ગઢ પંથકમાં અગાઉ વરસાદ સતત ચાલુ રહેતા વાવેતર મોડું થયું હતું અને ફરી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં વાવેતર કરેલ જુવાર, એરંડા અને મગફળીના પાકને નુકસાન થયું છે જેના પગલે ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ આ વિસ્તારમાં દાંતીવાડા ડેમનું પાણી પીયત માટે આવતું હોઈ દાંતીવાડા ડેમ પણ આ વર્ષે ખાલી રહેતા ખેડૂતોને શિયાળુ વાવેતરમાં પણ મોટુ નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે જેના પગલે સરકારે ખેડૂતોનું હિત વિચારી સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી હાલમાંતો ખેડૂતો માંગ કરી રહ્યા છે.