તુર્કીમાં બે કાર સામ સામે અથડતા બનાસકાંઠાની યુવતી સહિત ચાર ગુજરાતીના મોત
બનાસકાંઠાના વડગામના ભાંગરોડીયા ગામની યુવતી સહિત ચાર લોકો રજા હોવાથી ફરવા ગયા હતા. ત્યારે સામેથી આવતી કાર સાથે તેઓની કાર અથડાતા ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ચારેય ગુજરાતીના મોત થયા હતા. તુર્કીમાં BSC MLTનો અભ્યાસ કર્યા બાદ હોટલનું મેનેજમેન્ટ કરતી ભાંગરોડીયાની અંજલી મકવાણા તેમજ પ્રતાપભાઈ કારાવદરા, જયેશ અગાથ અને પુષ્ટિ પાઠક નામના 4 ગુજરાતીઓના મોત થયા હતા. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભોગરોડિયા ગામની અંજલીબેન કનુભાઈ મકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી, જોકે, આ યુવતી રજાનો દિવસ હોય તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા. દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર તેમની કાર સામેથી પૂરઝડપે આવેલી કાર સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની અંજલિ કનુભાઈ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા. વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવારજનોમાં માતમ છવાયો છે.