
ડીસા નગર પાલિકાના ચાર ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન
સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં કોમ્પ્લેક્સ ,ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ અને વિવિધ જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં ? તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. અગાઉ અનેક સ્થળો ઉપર ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના લીધે અનેક બિલ્ડીંગો સીલ પણ કરવામાં આવી હતી અને લોકોને તાત્કાલિક ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે માટે નોટિસ પણ આપવામાં આવી છે ત્યારે ડીસા નગરપાલિકાએ પણ કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ નગરપાલિકા પાસે પોતાના ૪ ફાઇટરો તો છે પરંતુ આ ૪ ફાઈટરનું સંચાલન કરવા માટે પૂરતો સ્ટાફ નથી. ૪ ફાઈટરોમાં ડ્રાઈવરથી લઈ ફાયર મેન સહિત ૧૬ જણાની જરૂરિયાત હોય છે ત્યારે નગરપાલિકા પાસે માત્ર સાત કર્મચારીનો જ સ્ટાફ છે.જેથી જો મોટી હોનારત સર્જાય તો આ ફાયર ફાઇટર શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય તેમ છે.ડીસા શહેરમાં ક્યારેય પણ આગની મોટી ઘટના બને તો તેને તાત્કાલિક કાબુમાં લેવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકાને ચાર ફાયર ફાઈટર આપવામાં આવ્યા છે પરંતુ આ ફાયર ફાઈટર છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે અને મોટી આગની ઘટના બને તો આ ફાયર ફાઇટરો કોઈ કામ આવે તેમ નથી. કારણ કે નગરપાલિકા પાસે ડ્રાઇવર- ફાયર મેનનો સ્ટાફ જ નથી નગરપાલિકા પાસે બે મીની અને બે મોટા એમ કુલ ચાર ફાયર ફાઈટરો છે. આ ૪ ફાયર ફાઇટરનું સંચાલન કરવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી. એક ફાયર ફાઇટરમાં એક ડ્રાઇવર,બે ફાયરમેન અને એક હેલ્પરની જરૂર હોય છે.જેથી કુલ ૧૬ ના સ્ટાફ સામે હાલમાં નગરપાલિકા પાસે માત્ર સાતનો જ સ્ટાફ છે.મતલબ ૯ કર્મચારીની ઘટ છે જો ક્યારેક ડીસામાં કોઇ મોટી આગની ઘટના બને તો પાલિકાના આ ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન સાબિત થશે ત્યારે નગરપાલિકા અન્ય લોકોને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ રાખવાની નોટિસ આપતી હોય છે પરંતુ ખુદ પાલિકા પાસે ફાયર ફાઈટરમાં પૂરતો સ્ટાફ નથી ત્યારે ‘ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે’ તેવો ઘાટ ઘડાયો છે.
ચાર ફાઈટરમાં કેટલો સ્ટાફ જોઈએ ?
આ અંગે નગરપાલિકાના એક કર્મચારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે ચાર ફાયર ફાઈટરમાં ૧૬ જણાના સ્ટાફની જરૂર હોય છે પરંતુ તેની સામે માત્ર સાતનો સ્ટાફ છે અનેકવાર આગની મોટી ઘટના બને ત્યારે અમારે કર્મચારીઓને હેરાન થવું પડે છે અને સ્ટાફની ઘટ છેલ્લા ઘણા વર્ષોથી છે પરંતુ નગરપાલિકા દ્વારા સ્ટાફની ઘટ પૂરી કરવામાં આવતી નથી. હાલ ૪ ફાઈટરના ડ્રાઇવર, ૮ ફાઈટરના ફાયરમેન, ૪ ફાઈટરના હેલ્પરની જરૂરત ઉભી થાય છે.