
યાત્રાધામ અંબાજીને ‘લીલુછમ્મ’ હરીયાળું બનાવવા વન વિભાગનું નવતર આયોજન
દેશ-વિદેશમાં વસતા કરોડો શ્રધ્ધાળુંઓની આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રધામ અંબાજીને વૃક્ષોથી આચ્છાદીત લીલુછમ્મ-હરીયાળું બનાવવા અને ગબ્બર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા નજારો સર્જાય તે માટે બનાસકાંઠા વન વિભાગ દ્વારા નવતર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા નાયબ વન સંરક્ષક (નોર્મલ) પરેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે યાત્રાધામ અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જયાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા તથા જે ડુંગરાઓ ધીરે- ધીરે વનસ્પતિનું આવરણ ગુમાવી રહ્યા છે એવા વિસ્તારોના ડુંગરાઓમાં વૃક્ષોની લીલી ચાદર જળવાઇ રહે તે માટે ચાલુ વર્ષે ડ્રોન ટેકનોલોજીની મદદથી અંદાજે ૧૦૦ થી ૨૦૦ હેક્ટર ડુંગરાળ વિસ્તારમાં સીડબોલ તથા સીડનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે. અંબાજી ખાતે રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આગામી ૫ મી જૂન-૨૦૨૩ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પણ ૧૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી, કેતકી વગેરે રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
દાંતા તાલુકામાં આવેલ યાત્રાધામ અંબાજીને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને અંબાજી ખાતે જુદા જુદા વિભાગો દ્વારા વિકાસના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠા વન વિભાગ દ્વારા અંબાજી ગબ્બર અને ૫૧ શક્તિપીઠ આજુબાજુના વિસ્તારને હરીયાળો બનાવવા માટે ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેકટ અંતર્ગત રોપા વાવેતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ- ૨૦૨૨-૨૩ ના વન કવચ પ્લોટમાં આ વર્ષે ૨૦,૦૦૦ જેટલાં આ જમીનને માફક આવે તેવા રોપાનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે.