અંબાજી બંદોબસ્તમાં પ્રથમ વખત હોમગાર્ડઝ જવાનોને રહેવા -જમવાની સુંદર સુવિધા મળી
જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની કામગીરીથી હોમગાર્ડઝ જવાનો પ્રભાવિત
અંબાજી બંદોબસ્તમાં ત્રણ હજારથી વધુ હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવે છે
અંબાજી ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં પોલીસની સાથે ખભેખભો મિલાવી સેવા આપતા હોમગાર્ડઝના જવાનોની સેવાને પણ લોકો બિરદાવી રહ્યાં છે ત્યારે બનાસકાંઠા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે જવાનોને તકલીફ ન પડે તે માટે રહેવા – જમવા સહિતની સારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
જેમાં પગપાળા યાત્રિકોને તકલીફ ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સાથે સાથે ત્રણ હજાર જેટલાં હોમગાર્ડઝના જવાનો ફરજ બજાવી રહ્યાં છે ત્યારે બનાસકાંઠા હોમગાર્ડઝના નવનિયુક્ત જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા મેળો શરૂ થાય તે અગાઉથી જ વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરી રાત – દિવસ ફરજ બજાવતાં હોમગાર્ડઝ જવાનો માટે રહેવા – જમવા સહિતની અલાયદી સુવિધાઓ અપાવતા હોમગાર્ડઝના જવાનોએ જિલ્લા કમાન્ડન્ટની કામગીરીને બિરદાવી હતી.
આ અંગે બંદોબસ્તમાં ફરજ બજાવનાર હોમગાર્ડઝના અધિકારીઓ અને જવાનોએ જણાવ્યું હતું કે, દર વર્ષે બંદોબસ્ત અગાઉ હોમગાર્ડઝના જવાનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે મોટી મોટી વાતો કરવામાં આવતી હતી પરંતુ બંદોબસ્ત દરમિયાન કોઈ જ સુવિધા મળતી ન હતી. ચાલુ વર્ષે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે પોતે અંગત રસ દાખવી એક એક જવાનની ચિતા કરી છે અને તમામને રહેવા જમવા સહિતની સારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
મંદિર પરીસરમાં કિશોરનું પરીવાર સાથે મિલન કરાવ્યું: અંબાજી મંદિર પરિસરમાં મયંક જગદીશભાઈ ડાભી નામનો કિશોર પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો હતો. જેની જાણ બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડને થતાં તાત્કાલીક કંટ્રોલ પોઈન્ટ પર જાણ કરી ગણતરીની મિનિટોમાં કિશોરને તેના પરિવારના સભ્યો સાથે મિલન કરાવ્યું હતું.
હોમગાર્ડઝ જવાનો રાત – દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે: અંબાજી મેળા બંદોબસ્તમાં પોલીસ સાથે હોમગાર્ડઝના જવાનો પણ રાત-દિવસ પુરી નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવે છે. જેથી ફરજ પરના હોમગાર્ડઝના જવાનોને રહેવા, જમવા સહિતની અગવડતા ન પડે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી હતી તેમ જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે જણાવ્યું હતું.