
દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂ. ૭.૦૫ કરોડના ૧૭૮ વિકાસકામો મંજુર કરાયા
પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ૯૬ ટકા રકમ દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂ. ૭.૦૫ કરોડના કુલ-૧૭૮ કામો તેમજ આદિજાતિ તાલુકા સિવાયના છૂટાછવાયા આદિજાતિ વિસ્તાર માટે ૪ ટકા ગ્રાન્ટ પ્રમાણે રૂ. ૧.૦૦ કરોડના ૫૮ વિકાસ કામોના આયોજનને વર્ષ-૨૦૨૩-૨૪ માટે મંજુર કરવામાં આવ્યુ હતુ. આ યોજના હેઠળ પાક કૃષિ વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, ગ્રામ અને લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, આદિજાતિના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવે અને તેમનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજય સરકારશ્રી સક્રિયપણે સંકલ્પબધ્ધ છે. ટ્રાયબલ વિસ્તારમાં મંજુર કરાયેલા કામો સયમમર્યાદામાં પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાના વિકાસને વેગ આપીએ. તેમણે કહ્યું કે શિક્ષણ, રોડ, પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપીએ. આ બેઠકમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, ધારાસભ્યો અનિકેતભાઇ પંડ્યા અને કાંતિભાઇ ખરાડી, કલેક્ટર વરૂણ બરનાવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રાયોજના વહીવટદાર આર.આઇ.શેખ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.