
ડીસાની જીઆઈડીસીમાં આવેલ તેલ મિલમાં ફૂડ વિભાગના દરોડા
ડીસા શહેર મામલતદાર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ તેલ મિલમા દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલ્યા હતા. ડીસા શહેરમાં લાંબા સમયથી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી તેનું વેચાણ થતું હોવાની બુમો અવાર નવાર ઉઠે છે. જેના પગલે એક જાગૃત નાગરિકે ભેળસેળ યુક્ત તેલનું વેચાણ થતું હોવાની લેખિત ફરિયાદ કરી હતી જે અંતર્ગત શહેર મામાલદાર એસ. ડી. બોડાણા, પુરવઠા મામાલદાર ઇશ્વરલાલ પટેલ તેમજ ફૂડ વિભાગના અધિકારીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી.જેમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એન.પી. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેકટર પ્રિયકાબેન ચૌધરી,લક્ષ્મીબેન દ્વારા ઓઈલ મિલમાંથી શંકાસ્પદ સરસીયું અને સોયાબીન તેલના સેમ્પલ લઈ સિલ કર્યા હતા અને સિલ કરેલા સેમ્પલ ચકાસણી અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે મામલતદાર અને પુરવઠા વિભાગે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જાેકે આજે ફૂડ વિભાગ અને મામલદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.