
ડીસામાં સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ડીસા સરદાર બાગમાં આવેલી સરદાર પટેલ ની પ્રતિમાને સમસ્ત પાટીદાર સમાજ, ભાજપ, કોંગ્રેસ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે ડીસામાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ બાગ, મહારાણા પ્રતાપ હાઇસ્કુલ અને ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પી સરદાર પટેલ અમર રહો અને જય સરદારના નારા લગાવી સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી.
સમસ્ત પાટીદાર સમાજના અગ્રણીઓ કિર્તીભાઈ પટેલ, મૂળચંદભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો યુવા કાર્યકરો ઉપ સ્થિત રહ્યા હતા. જ્યારે શહેર કોંગ્રેસ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, ડીસા પાલિકાના કોર્પોરેટર જગદીશભાઈ મોદી, પોપટજી દેલવાડીયા સહિત કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.