
આખરે ડબ્બા અને બારદાનના રૂપિયા બેન્કમાં જમા કરાયા
ધાનેરા તાલુકાની આંગણવાડી ઓફિસના સી.ડી.પી.ઓ અને કર્મચારીની મીલી ભગતથી તેલના ખાલી ડબ્બા અને બારદાન બારોબાર બે મહીના પહેલા વેચી દેવામાં આવ્યા હતા અને તે વેચી મારવાના સમાચાર અખબારમાં આવતા તાત્કાલિક ધોરણે શુક્રવારે તે વેચેલ સામાનના રુપિયા બેંકમાં ભરાયા હતા. આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવે તો અન્ય કૌભાંડ પણ બહાર આવવાની શક્યતાઓ જાેવા મળી રહી છે.રખેવાળ અખબારમાં “ધાનેરા આંગણવાડી ઓફિસમાં તેલના ખાલી ડબ્બા અને બારદાન બારોબાર કર્યાનો આક્ષેપ” હેડીંગ તળે સમાચાર છાપવામાં આવ્યા હતા. જેથી ધાનેરા આંગણવાડી વિભાગમાં હલચલ મચી જવા પામી હતી જેથી પાલનપુર ઓફિસથી ધાનેરા કચેરીમાં ફોન આવતા તાત્કાલિક ધોરણે વેચાણ કરેલ સામાનની રકમ એકત્ર કરીને શુક્રવારે સ્ટેટ બેંક ધાનેરા શાખામાં ભરવામાં આવી હતી અને તે રકમ કોઇ નાની નથી ૯૯૧૭૨ ની માતબાર રકમ ભરવામાં આવી છે. આ બાબતે તપાસ કરવામાં આવતા આ બારદાન અને તેલના ડબ્બા ઇચા. સી.ડી.પી.ઓ. અને એક કોન્ટ્રાક વાળા કર્મચારીની મીલી ભગતથી બે મહીના પહેલા કોઇને જાણ કર્યા વગર વેચી મારવામાં આવ્યા હતા અને આ બન્ને લોકોએ વેચાણમાં આવેલ રકમની ભાગ બટાઇ પણ કરી હતી અને તે અંગેના સમાચાર આવતા આ લોકોના પગ નિચેથી જમીન સરકી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે રકમની બેંકમાં બે મહીને ભરપાઇ કરેલ છે. આ લોકોએ ખોટી રીતે કોઇપણ જાહેરાત વગર માલ બારોબાર વેચી મારેલ અને તેની રકમ ની ઉંચાપત કરેલ હોવાથી આ લોકોની તપાસ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરુરી છે. આ બાબતે એક આંગણવાડી કાર્યકરે જણાવેલ કે અમારી પાસેથી મહીને હપ્તાઓ પણ લેવામાં આવે છે અને કહેતા હોય છે કે ઉપર મોકલવા પડે છે. માટે આ બાબતે યોગ્ય તપાસ થાય તો છેલ્લા એક વર્ષમાં આ લોકોએ મોટા પ્રમાણમાં કૌભાંડ કરેલ છે તે બહાર આવે તેમ છે. તેમજ આ બાબતે જીલ્લાના આઇ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર ને ટેલીફોન કરવામાં અવતા તેઓએ ફોન રીસીવ કરવાનું ટાળ્યુ હતુ.