
આખરે અંબાજી પ્રસાદમાં નકલી ઘી કેસમાં મુખ્ય સૂત્રધારની શરણાગતિ
અંબાજીમાં મોહનથાળ પ્રસાદમાં નકલી ઘી મુદ્દે મુખ્ય સૂત્રધાર મનાઈ રહેલા દુષ્યંત સોનીની આખરે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.રાજ્યમાં ગાજતા નકલી ઘી કેસનો રેલો છેક અમદાવાદ પહોંચ્યો હતો, જેમાં મોહિની કેટરર્સે આ નકલી ઘી માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સ નામની પેઢી પાસેથી ખરીદ્યું હતું. આ પેઢીના માલિક જતીન શાહની પણ પોલીસે ધરપકડ કરી હતી, જો કે તેણે હું એક વેપારી છું, અને આ ઘી મેં નથી બનાવ્યું, મેં પોતે આ ઘી પાલડીથી દુષ્યંત સોની પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરતા કોર્ટમાં તેનો જમીન પર છુટકારો થયો હતો.
ત્યારબાદ પોલીસે નકલી ઘી કેસમાં મોહિની કેટરર્સના ચાર આરોપીની ધરપકડ કરી હતી.જેમનો પણ કોર્ટમાં જામીન ઉપર છુટકારો થયો હતો.પરંતુ મુખ્ય સૂત્રધાર ન પકડાતા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. ત્યારથી પોલીસ આ મામલે દુષ્યંત સોનીની પાછળ પડી ગઈ હતી. જો કે તે પોલીસની પક્કડમાં આવતો નહોતો.જો કે આજે હવે આ મામલે મોટો વળાંક આવ્યો છે. નકલી ઘી કેસનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહેલો આરોપી દુષ્યંત સોની સામેથી અંબાજી પોલીસ સમક્ષ હાજર થયો હતો, જેના પગલે પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.