પાલનપુરમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ : સત્વરે પાણી નિકાલ કરવા આપ્યા નિર્દેશ
આરોગ્ય વિભાગે પાલિકાને કરી તાકીદ: સત્વરે પાણી નિકાલ કરવા આપ્યા નિર્દેશ
વરસાદી પાણી નિકાલમાં પાલિકાની બેદરકારી સામે આરોગ્ય તંત્ર મેદાનમાં
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં પ્રિ-મોન્સૂન પ્લાનની પોકળતાનો પર્દાફાશ થતા શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. જેને લઈને રોગચાળો માથું ઊંચકે તેવી દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગે શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં ભરાઈ રહેલા વરસાદી પાણીનો પંપિંગથી નિકાલ કરી સમયસર પીવાના પાણીમાં ક્લોરીનેશન થાય તેની તકેદારી રાખવા નગરપાલિકા ને લેખિતમાં તાકીદ કરી છે.
પાલનપુરમાં સમાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જે પાણી નો દશ દશ દિવસ વીતવા છતાં તેનો નિકાલ કરાયો નથી. ત્યારે વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો જેવા કે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ચાંદીપુરા વાયરસ જેવો રોગચાળો ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે.
પાલનપુર અર્બન વિસ્તારમાં હાલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જે ગંભીર રૂપ ધારણ કરે તેવી ભીતિ સેવાતી હોઈ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા પાલનપુર નગર પાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તાકીદે પંપિંગથી પાણીનો નિકાલ કરી પીવાનું પાણીનું સમયસર ક્લોરીનેશન કરવાની તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રકશન સાઈડ, ભંગારીની દુકાનવાળા, ટાયરની દુકાનો અને ટાયર પંચર વાળાની દુકાનોમાં પણ યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.
પાલિકાની બેદરકારી સામે રોષ: પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જે પાણીનો નિકાલ કરવાની જવાબદારી પાલિકાની છે. પરંતુ પાલિકાએ બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે શહેરમાં સર્વે કરી અને ભરાયેલા પાણીના વિસ્તારોની યાદી પાલિકા ને સોંપી તાત્કાલિક પાણી નિકાલ કરવાની સૂચના આપી છે. જોકે, વરસાદી પાણીનો નિકાલ ન થતા શહેરીજનોમાં પણ પાલિકા સામે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે વિપક્ષે પણ આક્ષેપ કર્યા છે કે, વારંવારની રજૂઆતો છતાં પાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી.
સ્થાનિકોને રોગચાળા ની ભીતિ: પાલનપુરના અનેક વિસ્તારો એવા છે. જે વરસાદી પાણીથી ભરાયેલા છે. પાલનપુરના બેચરપુરાના શક્તિનગર, આદર્શ હાઇસ્કુલ પાસે ગોવિંદા સ્કૂલ, અમીરબાગ, નાની બજાર, હાઈવેના વિસ્તાર સહિતના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી પાણી ભરાયેલા છે. આવવા જવાના મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીને કારણે અને રહેણાંક વિસ્તાર હોવાથી રોગચાળાનો ભય ઊભો થયો છે. તાજેતરમાં જ કોલેરા અને ચાંદીપુરા વાઇરસ જેવા રોગોનો પાલનપુર સામનો કરી રહ્યું છે. ત્યારે પાલનપુર નગરપાલિકાની બેદરકારી અને સ્થાનિકોની રોજે રોજ રજૂઆત છતાં પાણીનો નિકાલ ન થતા પાલિકા સામે સ્થાનિકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલિકાના પાપે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ: જોકે, આરોગ્ય વિભાગ છેલ્લા એક માસથી શહેરમાં રોગચાળો ન ફેલાય અને રોગચાળો કાબુ આવે તેવા પ્રયત્નો કરી રહ્યું છે. દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરી આરોગ્યની ટીમો સર્વે કરી રહી છે. પરંતુ ભરાયેલા પાણીને કારણે રોગચાળાનો ભય આરોગ્ય વિભાગને પણ સતાવી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગે તેની ટીમો દ્વારા શહેરમાં ભરાયેલા પાણીના વિસ્તારોનો શહેરમાં સર્વે કરાવ્યું છે. સર્વેની યાદી પાલિકાને સોંપી છે. અને પત્ર લખ્યો છે કે, તાકીદે પાણીનો નિકાલ કરો નહીં તો પાલનપુર રોગચાળામાં સપડાશે.