
કેનાલો પરથી એન્જીન હટાવી લેવા ખેડુતોને તાકીદ
નર્મદાની મુખ્ય કેનાલમાંથી લીકેજ થતા પાણીની સમસ્યાથી છુટકારો મળે અને નર્મદાના પાણીનો વેડફાટ ન થાય તે માટે કેનાલ રીપેરીંગ તેમજ સફાઈની કામગીરીની ૧ લી મે (આજ) થી શરૂ કરવામાં આવી છે.આથી એક મહિના માટે કેનાલ બંધ કરવામાં આવતાં પાણીની અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સોમવારે કેનાલની વિઝીટ કરીને ખેડુતોને ઓઇલ એન્જીન હટાવી લેવાની તાકીદ કરવામાં આવી હતી. પાણીની અછતને પહોંચી વળવાની સંભાવનાઓને ધ્યાનમાં લઇને ખેડુતોને સિંચાઇ માટે પાણી નહી લેવાની તાકીદ કરવામાં આવી છે. જેની વચ્ચે સોમવારે થરાદના નાયબ કલેકટર કે એસ ડાભી,મામલતદાર અને વહીવટદાર દિપક દરજી, પીઆઇ આર એસ દેસાઇ અને નર્મદા નિગમના કર્મચારીઓની ટીમ મુખ્ય કેનાલ પર દોડી હતી. અને ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે કોઈ સમસ્યા ન થાય એવી તકેદારીના ભાગરૂપે મુખ્ય કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ન ખેંચવાની અપીલ સાથે કેનાલ પર લગાવેલાં ઓઇલ એન્જીન હટાવી દેવાની પણ સુચના આપવામાં આવી હતી.ખેડુતો દ્વારા સુચનાનું પાલન નહી કરાય અને પાણી લેતા ધ્યાનમાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.બંકર નળીઓ અને ઓઇલ એન્જીનનાં હસ્તાં અને ઇલે.મોટરના કેબલ કાપવાની કામગીરી પણ ખેડુતોની જવાબદારીએ સોમવારની મોડી સાંજે હાથ ધરવામાં આવી હતી.
નર્મદા મુખ્ય નહેરમાંથી મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ મુકાયો
ખેડુતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મુકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે. આમ જાે સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ, વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ જણાતાં વરૂણકુમાર બરનવાલ (આઈ.એ.એસ , જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ (૧) (એમ) અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડુતો ધ્વારા પોતાના મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે.