
અમીરગઢ તાલુકામાં ‘અપૂરતી’ વિજળી મળતા ખેડૂતો ત્રાહિમામ
અમીરગઢ તાલુકામાં ખેડૂતોને પુરતો વીજ પાવર આપવામાં ન આવતા આજે ઈકબાલગઢ યુજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.જ્યાં ખેડૂતોએ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ પુરતો વીજ પાવર આપવાની માગ કરી હતી અને જાે માંગ નહીં સ્વીકારાય તો અગામી સમયમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ બાબતે ખેડૂત આગેવાન રેવાભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી જે વીજ પાવર આપવામાં આવે છે તેમાં કટિંગનો પ્રોબ્લેમ આવે છે. એગ્રીક્લચરમાં પૂરતો પાવર આપવામાં આવતો નથી. સિંગલ ફેજમાં પણ પાવર નથી આવતો.જેથી અમે આજે ડેપ્યુટી ઈજનેરને આવેદનપત્ર પાઠવ્યું છે. લોડ સેટિંગનો પ્રશ્ન અત્યારે મોટા પ્રમાણની અંદર ઈકબાલગઢ ડીવીજનમાં આવેલો છે એનું પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે, ૨૪ કલાક વીજળીની સરકાર જાહેરાતો કરે છે પરંતુ અત્યારે અમને પાવર મળતો નથી. ૮ કલાક પાવર આપે છે એ પણ મળતો નથી અને મળે છે તો અડધો અડધો કલાકની ટ્રીપિંગ આવે છે ખેતી અત્યારે સુકાઈ રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર અને યુજીવીસીએલ બન્ને આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી ખેડૂતોની ઉગ્ર માંગ છે.