લાખણી માં વરસાદની આગાહીથી ખેડૂત પરિવારો ઉનાળુ પાકો લેવામાં વ્યસ્ત
બનાસકાંઠા જિલ્લાને બિપરજોય વાવાઝોડાએ ઘમરોળતા બાજરી સહિતના ઉનાળુ પાકોને મોટું નુકશાન થયું છે પણ હવે હવામાન વિભાગની વિધિવત વરસાદની આગાહીના પગલે ખેડૂત પરિવારો વધ્યા ઘટ્યા પાકો લેવામાં વ્યસ્ત બની ગયા છે.વળી, માથે ચોમાસુ હોઈ ખેતરો ઝટપટ નવરા કરી ખેડૂતોએ સારા વરસાદની આશાએ ચોમાસુ વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં આમ તો 15 જૂને ચોમાસુ બેસી જાય છે પણ આ વખતે ચોમાસુ થોડું મોડું પડ્યું છે.જો કે ઉનાળુ વાવેતરના સમયે પણ કમોસમી વરસાદ નડતા ઘણા ખેડૂતો વાવેતરમાં મોડા પડ્યા હતા.તેથી તેઓ હજી પાકો લઈ રહ્યા છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ પ્રિ- મોન્સૂન એક્ટિવિટી સતેજ થઈ ગઈ છે. તેથી આકાશમાં ગોરંભાયેલા વાદળાં ગમે ત્યારે વરસી પડે તેમ છે પણ હાલમાં તો બફારો અને ઉકળાટ અસહ્ય થઈ પડતા આમ પ્રજા પણ વરસાદ ઝંખી રહી છે.