
‘મારી છોકરી સામે ઈસરો કેમ કર્યો’ કહી ત્રણ લોકોએ ઢોર માર મારી કિશોરની હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં 16 વર્ષીય કિશોરની લાશ મળી આવી હતી. જે મામલે કિશોરની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ગત રાત્રે ત્રણ જેટલા ઈસમોએ કિશોરને ઢોર માર માર્યો હતો જેથી કિશોરનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કિશોરનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પશ્ચિમ પોલીસ અને રેલવે પોલીસ હદ વિસ્તારમાં દારૂ વેચનાર બુટલેગરે માર મારી કિશોરની હત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. બનાવના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકના મોત મામલે તપાસ હાથ ધરી છે.
કિશોરના પરિવારજન આંબાલાલે જણાવ્યું હતું કે, એક મહિલા અને તેનો પતિ બે ત્રણ વર્ષથી અહીંયા આવીને દારૂનો અડ્ડો ચાલુ કર્યો છે. ત્યારે રાત્રે છોકરો મેળામાં ક્યાંક ફરવા ગયો હશે અને એમનો પરિવાર પણ મેળામાં ફરવા ગયો હતો. ત્યારે છોકરો જાપે ઉભો હતો અને સામે જુલો હતો તે જુલો છોકરાએ અન્યને બતાવ્યો હતો.
જોકે, તે લોકોએ આ છોકરાને કહ્યું કે, ‘મારી છોકરી સામે ઈસરો કેમ કર્યો’ એમ કહીને ત્રણ-ચાર લોકોએ આવીને છોકરાને ઉપાડી અને પછી નજીકમાં લઈ જઈ ખુબ માર્યો હતો. તેમજ મારતા મારતા ઢસેડીને એના ઘર આગળ લાવ્યાં. પેલા છોકરાને મારી દીધો હતો અને પછી તેને લટકાવી દીધો હતો. મહોલ્લાવાળા છોડાવવા ગયા તો આ લોકોએ કહ્યું કે, તમારે શું લેવા દેવા છે અમે ગમે તે કરીએ. તમે બેસી જાઓ અમારે આને આજે મારી નાખવો છે. આજે સવાર નહીં થવા દઈએ.
કિશોરના પરિવારના શીતલબેને જણાવ્યું હતું કે, રાત્રે છોકરાને મારતા હતા. 12 વાગ્યાં જેવા બધા છોડાવવા ગયા તો બધાને ગાળો બોલવા લાગ્યા હતા. એનો છોકરો એમની પત્ની સહિત ત્રણ લોકો મારવા લાગ્યા હતા. તમે કોઈ વચમાં ના પડતા નહિતર તમારા છાપરા સળગાવી દેશું એવી ધમકી પણ આપી હતી.