ડીસામાં ગરમીએ હદ વટાવી ! પારો ૪૫ ડિગ્રીથી ઉપર ચઢ્યો
- સીઝનનો સૌથી ગરમ દિવસ ઃ ચાર વર્ષ બાદ મે મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું
- સમગ્ર ઉત્તર ગુજરાતમાં અંગ દઝાડતા તાપના લીધે લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું
(રખેવાળ ન્યૂઝ)ડીસા, : બનાસકાંઠા જિલ્લામાં બુધવાર નો દિવસ સિઝન માં સૌથી ગરમ રહેવા પામે છે. તાપમાનનો પારો બે ડિગ્રી વધતા ૪૫ ડીગ્રીએ આંબી જતા સમગ્ર વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાતા અંગ દઝાડતી ગરમીને લઇને પ્રજાજનો હેરાન પરેશાન થઇ ઊઠ્યા છે ગત સપ્તાહે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી પાછી એકવાર ગરમી રફતાર પકડતા રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. જેમાં બુધવારે સિઝનમાં સૌથી વધુ ૪૫ ડિગ્રી એ તાપમાનનો પારો આંબી જતાં સૌથી ગરમ દિવસ રહ્યો છે જેને લઇ જિલ્લા વાસીઓને હજુ પણ ગરમીથી રાહત મળી શકે તેમ નથી.
- વર્ષ ૨૦૧૮ બાદ મે મહિનામાં સૌથી વધુ ગરમી નોંધાઇ
બનાસકાંઠા જિલ્લામાં મે માસમાં ગરમીનો પારો ચરમસીમાએ રહેતો હોય છે ત્યારે ચાર વર્ષ બાદ ફરી એક વાર રેકોર્ડ ગરમી પડી રહી છે વર્ષ ૨૦૧૮ માં મે માસ ની ૨૮ તારીખે ડીસાનુ તાપમાન ૪૫.૮ ડિગ્રી નોંધાયું હતું ત્યારે ચાર વર્ષ બાદ ફરી એકવાર ૪૫ ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે.
- રાજ્યના પાંચ શહેરોમાં ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે બુધવારના રોજ રાજ્યના પાંચથી વધુ શહેરોમાં ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે જેમાં અમદાવાદ ગાંધીનગર બાદ ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
- આગ ઓકતી ગરમીને લઈ બપોરના સમયે રીતસરનો કરફ્યુ લાગ્યો
દિવસેને દિવસે વધતી જતી ગરમી ને લગી બનાસકાંઠા જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે કર્ફ્યુ લદાયો હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો હતો અને રસ્તાઓ પણ સૂમસામ બની ગયા હતા.