આજના આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જીવંત
ઝેરડાનો મુસ્લિમ પરીવાર માતાજીના ગરબા બનાવે છે
નવરાત્રિ : ‘માનો ગરબો કોરાવ્યો ચાચર ચોકમાં…’ જેવા ગીતો લોક જુબાને રમે છે
વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. દરેક ગુજરાતી નવરાત્રીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે.તેમાં પણ હવે નવરાત્રીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે. જો કે નવરાત્રી આદ્ય શક્તિની ઉપાસનાનો તહેવાર છે, જેમાં માટીના ગરબાનો આગવો મહિમા છે.તેથી આજે પણ લોક જુબાને ‘માનો ગરબો કોરાવ્યો ચાચર ચોકમાં રે લોલ…’ જેવા અનેક લોક ગીતો રમી રહ્યા છે.
આજના આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે અને માટીના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા યથાવત જોવા મળે છે ત્યારે ડીસાના ઝેરડામાં સલ્લુભાઈ સુમરા પરીવાર દ્વારા અદ્યતન મશીનરીમાં આકાર પામેલા અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી માટીના ગરબા જોવા મળે છે.ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચિન માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચિન માટીના ગરબાની માંગ થઈ રહી છે.
આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ માટીના ગરબાનો આગ્રહ રાખી રહ્યા છે. જેથી માટી કામ કરતા પરીવારોને રોજીરોટી મળી રહે છે અને હાલ માટીના ગરબાની માંગ વધી પડી છે.
કોરોના બાદ ફરી સરકારી નિયંત્રણો ; કોરોનાના કપરા કાળ દરમ્યાન નવરાત્રિની ઉજવણીમાં સરકારી નિયંત્રણો લાગ્યા હતા અને હવે ખાસ કરીને યુવાનોમાં વધેલા હૃદય રોગના હુમલાના બનાવોના કારણે સરકાર સહિત વહીવટી તંત્રે ગરબા સ્થળે આરોગ્ય સુવિધા તેમજ અનિચ્છનીય ઘટના ટાળવા સલામતીનો સઘન બંદોબસ્ત રાખવાનો આદેશ કર્યો છે.