બનાસની ધરા પર પીએમ પોષણ યોજનામાં પણ લાલિયાવાડી બાળકોને શાળાઓમાં બે ટાઈમ ભોજન પણ નથી અપાતું
કેન્દ્ર સરકાર દ્વારા દેશની પ્રત્યેક સરકારી શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ બાળકોને બે ટાઈમ મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પરંતુ જિલ્લામાં આવેલી ૨૩૦૦ થી વધુ શાળાઓમાં બાળકોને અપાતા ભોજનમાં પણ મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવે છે,બાળકોને એક ટાઈમ નાસ્તો અને એક ટાઈમ ભોજન આપવાનો સરકારનો પરિપત્ર હોવા છતાં મોટાભાગની સરકારી શાળાઓમાં માત્ર એક જ ટાઈમ ભોજન અપાય છે, ભાગ્યે જ કોઈક શાળા એવી હશે જ્યાં બાળકોને નાસ્તો અને ભોજન બન્ને અપાતું હશે, માત્ર એક ટાઈમનું ભોજન આપી સરકારે ગરીબ બાળકો માટે મોકલેલા અનાજનું બારોબારીયું કરી મસમોટી ગેરરીતિ આચરનારાઓ સામે જિલ્લા પુરવઠા તંત્ર કોઈ જ નક્કર પગલાં ભરતું નથી. જેને પરિણામે બનાસકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક રીતે વધવા પામ્યો છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, સરકાર દ્વારા પુરવઠા વિભાગ મારફતે સસ્તા અનાજની દુકાનોમાંથી રેશનિંગ કાર્ડ ધારકોને તેમજ શાળાઓમાં મધ્યાહન ભોજન આપતા સંચાલકોને બાળકો માટે અનાજ પહોંચાડવામાં આવે છે. આ અનાજમાંથી દરરોજ અઠવાડિયાનાં મેનુ મુજબ શાળાનાં બાળકોને નાની રીશેષમાં નાસ્તો અને મોટી રીશેષમાં ભોજન બનાવી ખવડાવવાનું હોય છે. પરંતુ મધ્યાહન ભોજનના સંચાલકો શાળાનાં આચાર્ય, એસ. એમ. સી. કમિટીનાં મેમ્બર્સ તેમજ તાલુકા મધ્યાહન ભોજન મામલતદારો સહુ કોઈ સાથે સાંઠગાંઠ કરી બાળકોને માત્ર એક જ ટાઈમનું ભોજન પીરસતા હોય છે. એટલુ જ નહીં, શાળાઓમાં બાળકોની ખોટી હાજરી પુરીને પણ મસમોટુ કૌભાંડ આચરાતુ હોય છે. તેમ છતાં જિલ્લા પુરવઠા વિભાગના સરકારી બાબુઓને આ બધી જ વાસ્તવિકતા દેખાતી નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પુરવઠા ટિમ દ્વારા શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન બાબતે શાળાઓમાં કોઈ ઇન્સ્પેક્શન કરાય છે કે નહીં, અને જો કરાય છે તો કેમ આવી લાલિયાવાડી ચલાવનાર મધ્યાહન ભોજન સંચાલકો સામે કડક કાર્યવાહી કરાતી નથી ? તેવા અણિયાળા સવાલો જાગૃત વાલીઓનાં મનમાં ઉઠવા પામ્યા છે.
સાહેબ ! માસુમ બાળકોને ગુણવતાયુક્ત પૂરતું ભોજન તો આપો !: સરકારનો ઉદ્દેશ છે કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતું કોઈપણ બાળક કુપોષણનો ભોગ નાં બને અને બાળકને દરરોજ જરૂરિયાત મુજબનું પૂરતું પોષણક્ષમ ભોજન મળી રહે, તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી ૨૩૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓનાં અંદાજિત સાડા ચાર લાખથી વધુ બાળકો માટે મધ્યાહન ભોજન યોજના ચાલે છે. પરંતુ જિલ્લાના માસુમ ભૂલકાઓને પૂરતું ગુણવતાયુક્ત ભોજન આપવાને બદલે ઓછું ભોજન આપી માસુમ બાળકોને રીતસરના કુપોષણનાં શિકાર બનાવવામાં આવતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં જેટલી પણ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન અપાય છે તે તમામ ભોજન મોટેભાગે ગુણવતાવિહીન અનાજમાંથી બનાવી બે ટાઈમને બદલે એક ટાઈમ ભોજન આપી માસુમ બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવે છે. ત્યારે જાગૃત વાલીઓએ જિલ્લાનાં પુરવઠા અધિકારીઓ પર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતુ કે, સાહેબ ! કમસે કેમ માસુમ બાળકોને ગુણવતાયુક્ત પૂરતું ભોજન તો આપો !
જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ પંચમહાલ જિલ્લાથી તો કાંઈ શીખો !: શાળાઓમાં માસુમ ભૂલકાઓને બે ટાઈમને બદલે માત્ર એક જ ટાઈમ અનાજ અપાતું હોવાનું ધ્યાને આવતા પંચમહાલ જિલ્લાનાં પુરવઠા અધિકારીએ એક પરિપત્ર જાહેર કરી તમામ મધ્યાહન ભોજન સંચાલકો તેમજ પુરવઠા મામલતદારોને કડક સૂચનાં આપતા જણાવ્યું છે કે સરકારના નિયમ મુજબ શાળાઓમાં એક ટાઈમ નાસ્તો અને એક ટાઈમ ભોજન મળતું નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે, તેથી જો સ્થળ વિઝીટ દરમ્યાન જો કોઈપણ શાળામાં બાળકોને માત્ર એક જ ટાઈમ ભોજન અપાતું હોવાનું ધ્યાને આવશે તો મધ્યાહન ભોજન સંચાલકને ફરજ મુક્ત કરવામાં આવશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી આવો પરિપત્ર કરી શકે તો બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીને આવી ગેરરીતિ ડામવામાં કયો ગ્રહ નડે છે, આખરે ક્યાં સુધી બનાસકાંઠા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજનના નામે ચાલતી લાલીયાવાડીનો તમાશો જોતા રહેશે ?