પાલનપુરના સૈયદ વાસમાં ગંદકીનું સામ્રાજ્ય: ઉભરાતી ગટરો અને વરસાદી પાણીના નિકાલની માંગ સાથે સી.ઓ.ને કરાઈ રજુઆત
ભૂગર્ભ સફાઈ સુપરવાઈઝર અને કંપનીના માલિક સામે લેખિત ફરિયાદ: પાલનપુર શહેરના વોર્ડ નં.4 માં જુના ડાયરા સૈયદ વાસ સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો, અતિશય ગંદકી, તથા વરસાદી પાણીના નિકાલના અભાવે ગંદકી નું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. ત્યારે રોગચાળાની દહેશત વચ્ચે આજે સ્થાનિક રહીશોએ પાલિકા ઉપ પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ ઉભરો ઠાલવી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી.
સ્થાનિક અગ્રણી ઇમરાન ભાઈ સૈયદના જણાવ્યા મુજબ, વોર્ડ નં.4 સૈયદવાસમાં નગરપાલિકા તરફ થી કોઈ કાળજી લેવામાં આવતી ના હોવાથી ઠેરઠેર ગંદકી, કચરો, ઉભરાતી ગટરો, તથા વરસાદી પાણીનો ભરાવો થાય છે. આ અંગે વારંવાર નગરપાલિકાના કોર્પોરેટરોને રજુઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી. વારંવાર રજુઆતને અંતે એકઆદ વાર સફાઈ કામદાર આવી ને સફાઈ કરી જાય છે. પછી ફરી પાછો ઠેર નો ઠેર એવો જ ગંદો માહોલ થઈ જાય છે.
સફાઈ કામદારો ગટરોમાં થી કીચડ બહાર કાઢી જાય છે. પછી કોઈ ઉઠાવવા આવતો નથી તેથી તે કીચડ આખા મહોલ્લા માં ફેલાય છે. આના કારણે વચ્ચે એકવાર કોલેરાની બીમારી ફેલાયેલી અને હજી પણ જો યોગ્ય પગલાં લેવા માં નહીં આવે તો મોટી મહામારી ફેલાવવાનો દહેશત વ્યક્ત કરતા સ્થાનિક રહીશો દ્વારા પાલિકા ઉપ પ્રમુખ નાગજી દેસાઈ અને ચીફ ઓફિસર નવનીત પટેલને આવેદન પત્ર આપી સફાઈ કરાવવાની માંગ કરી હતી. આ અંગે ઇમરાન સૈયદે પાલિકાના ચીફ ઓફિસરને સમસ્યાના નિરાકરણ માટે રૂબરૂ સ્થળ મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું.
એક સપ્તાહમાં નિકાલ નહિ આવે તો આંદોલન: પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલ અને ઉપપ્રમુખ નાગજીભાઈ સૈયદને સૈયદ વાસના સ્થાનિક રહેશોએ આવેદનપત્ર આપી કાયમી નિકાલ થાય તેવી રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ એ અઠવાડિયામાં પ્રશ્ન હલ થઈ જશે તેવી બાંહેધરી આપી હતી. જો પ્રશ્ન હલ નહીં થાય તો સ્થાનિક રહીશોએ લડત જારી રાખવાની ચીમકી આપી હતી.
ભૂગર્ભ સફાઈના સુપરવાઈઝર વિરુદ્ધ રજુઆત: દરમિયાન, પાલનપુર નગરપાલિકા ના વોર્ડ નં.4ના નગરસેવક અબરાર શેખ સહિતના ચારે નગર સેવકોએ જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા સમક્ષ લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.4 માં જનતા નગર, હસનપાર્ક સોસાયટી અને મફત પુરા ડંકીવાસમાં છેલ્લા 20 દિવસ થી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાય છે. જે અંગે વારંવાર રજુઆત કરવા છતાં નિરાકરણ ન લાવી ને તમારાથી થાય તે કરી લો તેવું કહી ધમકી આપી હોવાના આક્ષેપો સાથે ભૂગર્ભ સફાઈ યોજનાના સુપરવાઈઝર જીગરભાઈ જોશી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરતી અરહમ બિલ્ડકોનના માલિક ભદ્રેશભાઈ પટેલ સામે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી ન્યાય આપવા ની માંગ કરી હતી.