દરેક ગામ કુપોષણ મુક્ત બને તે દિશામાં પ્રયત્નો : મંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે “રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન- ૨૦૪૭” નો મધ્યપ્રદેશના સહડોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ દેશને વચ્ર્યુઅલ માધ્યમથી સંબોધન કર્યુ હતું.આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭ નો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે સામાન્ય કાર્યકર્તા હતા એ સમયે દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન સિકલ સેલ એનિમિયા નામનો રોગ તેમના ધ્યાને આવ્યો હતો. આ વંશ પરંપરાગત રોગના નિર્મૂલન માટે આજે વડાપ્રધાનએ મધ્યપ્રદેશથી સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરાવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની નવી ઉંચાઇએ લઈ જઈ રહ્યા છે ત્યારે ટી.બી., મેલેરિયા જેવા રોગોને ભારતમાંથી દૂર કરવાનો વડાપ્રધાનએ નિર્ધાર કર્યો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વ જયરાજસિંહ પરમાર, એલ. કે. બારડ, પ્રવિણસિંહ રાણા, અમરતજી ઠાકોર, સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, સિકલ સેલ એનિમિયાના લાભાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતનો યુવાન સ્વસ્થ, તંદુરસ્ત અને કંઈ કરવાની તમન્નાવાળો બને
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આરોગ્ય અને શિક્ષણની જવાબદારી સરકારની સાથે સાથે સમાજની પણ છે ત્યારે માતા મૃત્યુદર, નવજાત શિશુ મૃત્યુદર અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ. મારું ગામ કુપોષણ મુક્ત ગામ બને તે દિશામાં વિશેષ પ્રયત્નો કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ-૨૦૪૭માં ભારત ૧૦૦ વર્ષ પુરા કરે તે સમયે ભારતનો યુવાન સ્વસ્થ, તંદુરસ્ત અને કંઈપણ કરવાની તમન્નાવાળો સશક્ત બને તે માટે અત્યારથી તેના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે.
દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સમાજને અપીલ
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આરોગ્ય અને શિક્ષણની વિશેષ ચિંતા કરે છે. રાજપૂત સમાજને દીકરીઓને ભણાવવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, આ સમાજે આપેલા ત્યાગ અને બલિદાનને ભૂલી શકાય તેમ નથી પરંતુ સમયની સાથે દરેક સમાજે પરિવર્તનને સ્વીકારી તે પ્રમાણે આગળ વધવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, ૧૯ મી સદી યુ. કે. ની સદી હતી. ૨૦ મી સદી અમેરિકાની સદી હતી. જયારે ૨૧ મી સદી ભારતની સદી છે ત્યારે આપણે દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યા સિવાય તેમને આગળ વધવાનો અવકાશ આપીએ. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે મુક્ત આકાશ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સમાજને અપીલ કરી હતી.