
ધાનેરા તાલુકાના ચાર ગામોમાં લીલાછમ વૃક્ષોનું સાર્થક જતન
ધાનેરા તાલુકામાં વૃક્ષોનું નિકંદન બેરોકટોકપણે ચાલી રહ્યું છે.જ્યાં છાયડાની દરેકને જરૂર છે પરંતુ તેના માટે વૃક્ષોની વાવણી કરવી કોઈને યાદ આવતી નથી જે ખૂબ જ ગંભીર બાબત છે. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે જિલ્લાની જીવાદોરી સમી બનાસડેરી ચોમાસા ઋતુ દરમિયાન સફળતાપૂર્વક વૃક્ષોની વાવણીની સાથે વૃક્ષોનુ ઉછેર કરી પર્યાવરણનું રક્ષણ કરી રહી છે. ત્યારે જિલ્લાના ધાનેરા તાલુકાના ૪ ગામોમા બનાસડેરીના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.જેમાં વૃક્ષારોપણ નહિ પણ સાચા અર્થમા વૃક્ષોની માવજત પણ થઈ રહી છે.તાલુકાના સામરવાડા ગામની ગૌશાળા ખાતે અંદાજિત ૩૫૦૦ લીલાછમ વૃક્ષો લહેરાઈ રહ્યા છે જ્યાં સ્થાનિક દૂધમંડળી તેમજ ગ્રામજનોના સહયોગથી લીમડા,પીપળા તેમજ ફળફળાદીના છોડની વાવણી કરી તેની માવજત કરતા વર્તમાનમાં આ છોડ વૃક્ષ બની ગયા છે. ત્યારે આ બાબતે ડિરેક્ટર જાેઈતાભાઈ પટેલે જણાવ્યુ છે કે ધાનેરા તાલુકાના ૪ ગામોમા બનાસડેરીના સહયોગથી વૃક્ષારોપણ સફળતાપૂર્વક થયું છે.બનાસકાંઠા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવાની શરૂઆત ધાનેરાએ કરી નાખી છે.જેમાં તાલુકાના સામરવાડા ગામ સિવાય રમુણા,અનાપુર છોટા અને બાપલા ગામમાં સ્થાનિક દૂધમંડળીની દેખરેખ હેઠળ અવનવા વૃક્ષોની વાવણી કરાઇ રહી છે.ચોમાસા ઋતુ દરમિયાન તાલુકાના ગામોની પસંદગી કર્યા બાદ બનાસડેરી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે.આમ તો મોટાભાગે વૃક્ષારોપણ ચોમાસા ઋતુમા થાય છે.આમ બાપલા ગામના મુક્તિધામમાં વૃક્ષો લહેરાઈ રહ્યા છે.પાણી અને ખાતરની યોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે તાલુકામાં સાચા અર્થમા પર્યાવરણનું રક્ષણ અને જતન થઈ રહ્યું છે તેમ રમેશભાઈ જેગોડા સુપરવાઈઝર બનાસ ડેરીએ જણાવ્યું હતું.આમ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ શકે અને પ્રકૃતિને પ્રદૂષિત થતી અટકાવે તે માટે પાણીની વિકટ સમસ્યા સામે પણ તાલુકામા વૃક્ષોનું જતન થઈ રહ્યું છે.ધાનેરા તાલુકામા જે પ્રમાણે લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે જેની સામે વૃક્ષોની વાવણી જરૂરી બની
ગઈ છે.