બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું
રૂ.100 થી લઈને 11,000 ની મૂર્તિનું વેચાણ:સમગ્ર પાલનપુર નગર બન્યું શ્રીજીમય ગણેશ ચતુર્થીથી શરૂ થતાં ગણપતિ મહોત્સવને લઈ પાલનપુર શહેરમાં ભગવાન શ્રી ગણપતિની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ નું ચલણ વધ્યું છે.
મહારાષ્ટ્રમાં ધૂમ મચાવનાર ગણેશ મહોત્સવએ ગુજરાતને પણ ઘેલું લગાડ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં પણ ગણપતિ મહોત્સવનો ક્રેઝ વધતો જાય છે. ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુરની બજારમાં ગણેશ મહોત્સવને લઇને મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આજે ગણપતિના મૂર્તિ બજારમાં ભારે ભીડ વચ્ચે વાજતે ગાજતે લોકો પોતાના ઘરમાં કે સોસાયટીઓમાં શ્રીજી ની પધરામણી કરવા ઉમટી પડ્યા હતા.
પાલનપુરની બજારમાં રૂપિયા 100 થી માંડીને 11 હજાર સુધી ની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે મૂર્તિઓના ભાવમાં ત્રીસેક ટકા જેટલો ઘટાડો હોવાનો દાવો વેપારીઓ કરી રહ્યા છે. જોકે, મોટા ભાગે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનું વેચાણ વધતા પ્રદુષણ ઘટશે અને વિસર્જન ટાણે લોકોની આસ્થાને ઠેસ પણ નહીં પહોંચે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આમ, પાલનપુરમાં ગણપતિ મહોત્સવ ના વધતા જતા પ્રભાવ વચ્ચે સમગ્ર નગર શ્રીજીમય બનતા સમગ્ર નગરમાં “ગણપતિ બાપા મોરિયા” નો નાદ ગુંજી ઉઠ્યો હતો.